રાજકોટમાં ઈન્સ્ટાનો પ્રેમ બન્યો આતંક પ્રેમીએ સગાઈ તોડાવી, હવે સાસરે ત્રાસ
સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરમાં એક પરિણીત યુવતીને તેના લગ્ન બાદ પણ પૂર્વ પ્રેમી દ્વારા સતત હેરાન કરવામાં આવતી હોવાની અને પરિવારને પતાવી દેવાની ધમકી આપવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. અગાઉ યુવતીની સગાઈ તોડાવનાર આ શખ્સે હવે તેના સાસરે અને પિયરે પણ પીછો કરી ધાકધમકી આપતા અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ફરિયાદ મુજબ, શહેરના સહકાર રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતા રાજ ભરતભાઇ ઝીંઝુવાડીયા સાથે યુવતીને વર્ષ 2022માં કોલેજકાળ દરમિયાન ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી. જોકે, 2024માં યુવતીની સગાઈ નક્કી થતા તેણે રાજ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
આ વાતનો ખાર રાખી રાજે યુવતીની સગાઈ તોડાવી નાખી હતી. યુવતીના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા બાદ પણ રાજનો ત્રાસ ચાલુ રહ્યો હતો. યુવતી જ્યારે મોરબી તેના સાસરે હતી, ત્યારે રાજે ત્યાં પહોંચીને "મારી પાસે તારા ફોટા છે જે તારા સાસરી પક્ષમાં વાયરલ કરી દઈશ" તેમ કહી બદનામ કરવાની ધમકી આપી હતી. યુવતી જ્યારે રાજકોટ પોતાના પિયરે આવી ત્યારે પણ આરોપી તેની શેરીમાં આંટાફેરા કરતો હતો.એક દિવસ યુવતી શેરીમાં ઉભી હતી ત્યારે રાજે તેને છરી બતાવી ધમકાવી હતી કે, "જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને, તારા ભાઈને, પિતાને અને પતિને પતાવી દઈશ." યુવતી ઘરની બહાર ગમે ત્યાં જાય ત્યારે આરોપી તેનો પીછો કરી ફોન પર વાત કરવા દબાણ કરતો હતો.આરોપીના સતત ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ હિંમત ભેગી કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ જે. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ટી. એન. જોષીએ ગુનો દાખલ કર્યો છે. હાલ પીએસઆઈ વી. એલ. રાઠોડે આરોપી રાજ ઝીંઝુવાડીયાની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.