એટ્રેક્શન ઇન્ટરનેશનલ એકેડેમી દ્વારા 20થી 23મે દરમિયાન 72 કલાકની મેગા ઇવેન્ટ
- રાજકોટમાં એકસાથે 9 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે
- ગુજરાતના 150 થી વધુ બ્યુટી આર્ટિસ્ટ નોન-સ્ટોપ મેકઅપ, હેરકટ અને નેઇલ આર્ટ કરશે
- નાના આર્ટિસ્ટના કૌશલ્યને વૈશ્વિક ઓળખ આપવાના ઉદ્દેશ્યથી મોટેલ ધ વિલેજમાં આયોજન
સિટી ન્યૂઝ@રાજકોટ : ભારતની બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં એક અનોખો અને ઐતિહાસિક ઈવેન્ટ રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે. રાજકોટના મોટેલ ધ વિલેજ ખાતે આગામી 20 થી 23 મે દરમિયાન સળંગ 72 કલાક સુધી મેકઅપ અને હેર આર્ટનો ભવ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં એકસાથે 9 અલગ-અલગ પ્રકારના 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ મેગા ઇવેન્ટ થકી 150 થી વધુ કલાકારો રાજકોટને વૈશ્વિક સ્તરે ચમકાવશે. આ વિશાળ ઈવેન્ટ અંગે માહિતી આપતા એટ્રેક્શન ઇન્ટરનેશનલ એકેડેમીના ડિરેક્ટર ભરત ગાલોરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 9 મહિનાથી તેઓ આ મેગા ઇવેન્ટ પર સતત કામ કરી રહ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી એકેડેમિક ટેસ્ટ પાસ કરનારા બ્યુટી ઇન્ડસ્ટ્રીઝના 150 થી વધુ આર્ટિસ્ટને પસંદ કરવામાં આવ્યા છે.
આ તમામ કલાકારો 20 મે સવારે 5 વાગ્યાથી 23 મે સવારે 5 વાગ્યા સુધી (સતત 72 કલાક) પોતાનું 'આર્ટ ઓન સ્ટેજ' પર્ફોર્મન્સ આપશે. આ દરમિયાન નોન-સ્ટોપ મેકઅપ, હેરકટ, નેઇલ આર્ટ, મહેંદી અને કોરિયોગ્રાફી-મોટિવેશનલ સ્પીચ સહિતના 9 વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાશે. વર્લ્ડ રેકોર્ડના નિયમો અંગે જણાવતા તેમણે કહ્યું કે, ગિનીસ બુકના કડક નિયમો મુજબ તમામ કેટેગરીમાં બીફોર અને આફ્ટર ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી સાથે ગણતરી થશે. આ સમયે આર્ટિસ્ટની ઝડપ, ચોકસાઈ અને સ્કિલ પર ખાસ ધ્યાન અપાશે. આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ખૂણે-ખૂણે કામ કરતા નાના આર્ટિસ્ટોની અદભૂત કલાને 1 વૈશ્વિક સ્ટેજ પૂરું પાડવાનો છે.
એટ્રેક્શન એકેડેમી દ્વારા આ પૂર્વે 52 કલાકના હેર કટિંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવાયો છે અને તેમને 7 લાખથી વધુ પ્રેક્ટિકલ હેર કટિંગનો અનુભવ છે. આ ઈવેન્ટમાં 4-4 કલાકના 11 અલગ-અલગ સ્લોટમાં દર્શકોને પ્રવેશ મળશે. જેના પાસનું વિતરણ 11 મેથી એટ્રેક્શન એકેડેમી (વૈશાલીનગર), બોલબાલા ટ્રસ્ટ (લક્ષ્મીવાડી), સ્ટેલા નેઇલ બ્યુટી (વર્ધમાન હાઈટ્સ) અને ડી. મેજેસ્ટિક ફેમિલી સલૂન (રૈયા રોડ) ખાતેથી સવારે 9 થી 12 અને સાંજે 6 થી 8 દરમિયાન કરાશે. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાતા આ કાર્યક્રમને સફળ બનાવવા જયેશ ઉપાધ્યાય, હર્ષલ માંકડ, વિજયસિંહ આર્ય, ડો. યશવંત ગોસ્વામી, રીના પાંચાણી, પુષ્પા રાઠોડ અને સમગ્ર સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે.