Loading Please Wait !!!
રાજકોટના પબ્લિક ગાર્ડન બન્યા ગુંડાઓના અડ્ડા !

=> જાહેર બગીચામાં પણ સુરક્ષા નથી તંત્ર ક્યારે જાગશે ?
=> નવલનગર બગીચામાં ગાળો બોલવાની ના પાડનાર યૂવાન પર હૂમલો
=> ડખ્ખામાં યૂવકને છોડવા પડેલી યૂવતી સાથે પણ ખરાબ વર્તન

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાગ-બગીચાઓમાં રાત્રીના સમયે આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેનો ભોગ વધુ એક નિર્દોષ યુવાન બન્યો છે. શહેરના સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ધ્રુવ ભાવેશભાઇ ચોટાઇ (ઉ.વ. ૨૭) પર નવલનગરના બગીચામાં બે શખ્સોએ હિચકારો હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.

મળતી માહિતી મુજબ, ૧૧મીની રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે ધ્રુવ ચોટાઇ તેની મહિલા મિત્ર પાયલ દાફડા સાથે કૃષ્ણ ડેરી સામે આવેલા નવલનગરના બગીચામાં બેઠો હતો. આ સમયે ત્યાં આવેલા મયુર જગદીશભાઇ મોરબીયા અને અન્ય એક અજાણ્યા શખ્સે જોરજોરથી બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.ધ્રુવે સભ્યતા જાળવવા અને ગાળો ન બોલવા માટે સમજાવતા બંને શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ઝઘડા દરમિયાન બચાવવા વચ્ચે પડેલી પાયલ દાફડા સાથે પણ આરોપીઓએ અભદ્ર વર્તન કર્યું હતું.

આ મામલો ઉગ્ર બનતા આરોપીઓએ મારામારી શરૂ કરી હતી. હુમલાખોર શખ્સે તેના હાથમાં પહેરેલા ભારે કડા વડે ધ્રુવના માથામાં ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. માથામાં ગંભીર ઈજા થતા ધ્રુવ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. લોકોના ટોળા એકઠા થઈ જતા એક હુમલાખોર નાસી છૂટ્યો હતો, જ્યારે બીજાને લોકોએ પકડી પાડ્યો હતો. આ ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્ત ધ્રુવને સારવાર માટે તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયારે માલવિયાનગર પોલીસે આરોપી મયુર જગદીશભાઈ મોરબીયાની અટક કરી પુછપરછ હાથ ધરી છે. પીઆઈ જે. એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ એમ. સી. ઓગાણીયાએ ગુનો નોંધી ફરાર અન્ય શખ્સની શોધખોળ શરૂ કરી છે.