Loading Please Wait !!!
રાજકોટમાં નેતાઓ બેફિકર જનતા બિમાર !

=> દુષિત પાણીનો કહેર; લોકો રોગચાળાની ભીતિથી હચમચ્યા

=> શહેરના વોર્ડ નં. 10 સહિત દરેક વોર્ડમાં દુષિત પાણીની મોકાણ

=> બ્રહ્મસમાજ ચોકમાં મહિલાઓ તાપમાં રસ્તા ઉપર ઉતરી વિરોધ કર્યો

=> મત લેવા આવ્યા ત્યારે વાયદા હવે ગાયબ; વાહ કોર્પોરેટરો-વાહ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા જીવનનગર 4 વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિસ્તારમાં હાલ દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. તેમજ પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણી મળતું નહીં હોવાને કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આજરોજ બ્રહ્મસમાજ ચોક ખાતે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને જણાવ્યું હતું કે, મત માંગવા આવ્યા ત્યારે વાયદા કર્યા પછી કોઈ ડોકાયું નથી.

સ્થાનિક મહિલા પલ્વીબા ડાભીએ આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી વિતરણની કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી. હાલમાં જે પાણી આપવામાં આવી રહ્યું છે તે અત્યંત ગંદુ, વાસ મારતું અને ગટરના મિશ્રણ વાળું હોય તેવું ઘોર દૂષિત પાણી નળમાંથી આવી રહ્યું છે. આવું અશુદ્ધ અને રોગચાળો ફેલાવે તેવું પાણી પીવાના કારણે ઘરોમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકોના સ્વાસ્થ્ય જોખમાયા છે. લોકોને રોજેરોજ પેટના અસહ્ય દુખાવા તેમજ ઝાડા-ઉલ્ટી જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ 24 કલાક પાણી આપવાની ગુલબાંગો પોકારનાર તંત્ર હવે લોકોને પૂરતું એક કલાક પણ શુદ્ધ પાણી પૂરું પાડી શકતું નથી.

ચૂંટણી સમયે મતો મેળવવા માટે મોટા-મોટા વચનો આપનારા નેતાઓ અત્યારે જનતાની મુશ્કેલીના સમયે ગાયબ થઈ ગયા છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આ ઉપરાંત, તંત્ર દ્વારા પાણી આપવાના સમયમાં કરવામાં આવેલા અણઘડ ફેરફારથી લોકોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. શ્રમિક અને મધ્યમ વર્ગના લોકો વહેલી સવારે 5 વાગ્યે પોતાના કામધંધે જતા હોય છે, ત્યારે આ લોકોને પાણી ભરવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. સાથે પાણી વિતરણ કરવાનો સમય સવારે 7 થી 8 અથવા 8 થી 9 વાગ્યાનો કરવામાં આવે તેવી માંગ પણ તેણીએ કરી છે.

અન્ય એક જાગૃત નાગરિક ભોલાભાઈ મકવાણાએ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, આ જળ સંકટ અંગે તેઓ અત્યાર સુધીમાં કોર્પોરેશનની કચેરીમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે. તેમ છતાં મહાનગરપાલિકાના બહેરા કાન સુધી જનતાનો અવાજ પહોંચતો નથી અને અધિકારીઓ તરફથી માત્ર ઉડાઉ જવાબો જ મળ્યા છે. જ્યારે વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરોને આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે તેઓએ પણ માત્ર ચૂંટણીઓ પૂરી થયા પછી સમસ્યા હલ કરવાની પોકળ ખાતરી આપીને પોતાના હાથ ઊંચા કરી દીધા છે. લોકશાહીમાં ચૂંટાયા બાદ નેતાઓ જનતાને ભગવાન ભરોસે છોડી દે છે. હાલમાં પાણીની ભારે અનિયમિતતા અને દૂષિત પુરવઠાના કારણે સમગ્ર વોર્ડ નંબર 10 ના હજારો રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજેરોજ સવારે વહેલા ઉઠીને પાણીની એક-એક બુંદ માટે વલખા મારવા પડે છે અને ત્યારબાદ નોકરી-ધંધા પર જવું પડે છે, જેનાથી લોકોની આખી દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. જો આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા પાણીની આ સમસ્યા જળ કરવામાં નહીં આવે અને સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

>>ગટરના પાણીથી લોકો બીમાર !

જીવનનગર-4 વિસ્તારમાં નળમાંથી દુષિત અને વાસ મારતું પાણી આવતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો. સ્થાનિકોએ પેટદર્દ, ઝાડા-ઉલ્ટી જેવી બીમારીઓ ફેલાતી હોવાનો આક્ષેપ કર્યો.

>> મત પછી નેતાઓ ગાયબ

બ્રહ્મસમાજ ચોક ખાતે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે ચૂંટણી સમયે વચનો આપનાર નેતાઓ હવે સમસ્યા સાંભળવા પણ આવતા નથી.