Loading Please Wait !!!
મોટામવા મટન માર્કેટ સાથે 40 ગેરકાયદેસર બાંધકામ ઉપર બૂલડોઝર

  • દબાણો પર મનપાનો પ્રહાર; 58 કરોડની જમીન ખૂલ્લી કરી
  • અવાર નવાર નોટિસ આપવા છતાં બાંધકામ ન હટાવતા મનપાએ હથોડો વીંઝ્યો, રોડ-રસ્તા પહોળા થશે 

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના પદાધિકારીઓ ચાર્જ સંભાળે અને ભલામણોનો દોર શરુ થાય તે પૂર્વે જ મ્યુ કમિશ્નર તુષાર સુમેરાના ઈશારે ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડીમોલેશન હાથ ધરાયું છે.ત્યારે આજરોજ વોર્ડ નં. ૧૦ અને ૧૧ માં મોટા પાયે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં કરોડોની જમીન ખુલ્લી કરાવવાની સાથે રસ્તામાં નડતરરૂપ દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને રાજકોટ સીટી ન્યુઝ ડીજીટલ અખબાર દ્વારા ગત તા ૨૨ એપ્રિલના રોજ મોટામવાની ગેરકાયદેસર મટન માર્કેટ અંગેનો પુરાવા સાથેનો સ્ફોટક રીપોર્ટ રજુ કરવા આવ્યો હતો 

મોટામવા વિસ્તારમાં કાલાવડ રોડ પર આવેલ કટારીયા ચોકડી પાસે ટી.પી. સ્કીમ નં. ૧૦ ના અંતિમખંડ નં. ૭૯/એ (પાર્કિંગ) ના પ્લોટમાં થયેલા દબાણો પર તંત્રએ ત્રાટકીને ૧ મકાન અને ૭ થી ૮ ઝૂંપડાનું દબાણોનું ડીમોલેશન કરીને ૫૨૭૧.૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી હતી. આ જમીનની બજાર કિંમત અંદાજે ૫૮.૮૭ કરોડ આંકવામાં આવી છે. જ્યારે ટી.પી. સ્કીમ નં. ૨૦ (નાનામવા) માં ૧૮.૦૦ મીટરના રસ્તા પર થયેલા અવરોધોને દૂર કરવામાં આવ્યા હતા. જેમાં ભીમનગર ૮૦ ફૂટ રોડ પર કુલ ૩૦ જેટલા વાણિજ્ય અને રહેણાંકના દબાણો દૂર કરી ૨૬૫.૦૦ મીટર લંબાઈનો રોડ ખુલ્લો કરાવ્યો હતો. 

આ ઉપરાંત રૈયા રોડ પર આવેલી  પ્રકાશ કો.ઓ.હા. સોસાયટીમાં પ્લોટ નં. ૪૧/એ માં આસામી ગૌરવ વિનુભાઈ પુજારા દ્વારા મંજૂર પ્લાન વિરુદ્ધ કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કલમ-૨૬૦(૧) હેઠળ નોટિસ આપવા છતાં દબાણ ન દૂર કરાતા મનપાએ અંદાજે ૪.૦૦ ચો.મી. નું વધારાનું બાંધકામ તોડી પાડ્યું હતું. આ ડિમોલીશન દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખાની સાથે જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિજિલન્સનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.

ગેરકાયદે મટન માર્કેટનું ડીમોલેશન, 200મી રોડ પહોળો કરાશે : ટીપીઓ પરમાર 

ટીપીઓ આર. ડી.પરમારે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મનપા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત આજે 200 મીટર ટીપી રોડ પર ખડકાયેલા 33 બાંધકામો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ 200 મીટરના રોડને પહોળો કરવાની અને આધુનિક બનાવવાની યોજના છે. આ રોડ ખુલ્લો થવાથી માત્ર ભીમનગર જ નહીં, પરંતુ નાનામૌવા અને મોટામૌવા વિસ્તારમાં વસતા હજારો નાગરિકોને સીધો ફાયદો થશે. હાલમાં આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધુ રહે છે, જે આ નવા અને પહોળા રોડને કારણે હળવું થશે.