રાજકોટના ઢોસાના સાંભાર-ચટણીમાં ઝેર; હોટલ માલિકોને 6 મહિનાની જેલ
=> થાળીમાં નકલી ફૂડ; સાંભારમાં કેમિકલ, ચટણીમાં ઝેર રાજકોટમાં ફૂડ કૌભાંડ ખૂલ્યું
=> ફૂડમાં ભેળસેળ કરનાર પર તંત્રની લાલ આંખ
=> GJ-3 ઢોસા કોર્નર અને જય દ્વારકાધિશ હોટલનો ખોરાક `અનસેફ' જાહેર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થોના વિક્રેતાઓ સામે તંત્ર અને ફૂડ અદાલતે લાલ આંખ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાઓમાં કાયદાથી પ્રતિબંધિત કલરની હાજરી મળી આવતા, મ્યુનિસિપલ કોર્ટે બે અલગ-અલગ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપીને પેઢીના માલિકોને ૬-૬ મહિનાની સખત કેદ અને ૫૦ હજાર અને ૨ લાખનો ભારે દંડ ફટકાર્યો છે. અદાલતી કાર્યવાહીની સાથે-સાથે મનપાની ફૂડ વિભાગની ટીમે સઘન ચેકિંગ પણ ચાલુ રાખ્યું છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) વાન સાથે તંત્રની ટીમે શહેરના પોશ ગણાતા અમીન માર્ગ તથા રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં ખાધ્યચીજોનંખ વેચાણ કરતા કુલ ૩૧ ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. આ ડ્રાઇવ દરમિયાન ૪ ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ ન હોવાથી તેમને તાકીદે લાયસન્સ મેળવી લેવા સૂચના અપાઈ હતી, જ્યારે સ્થળ પર જ અલગ-અલગ ખાદ્યપદાર્થોના ૨૭ નમૂનાઓની પ્રાથમિક ચકાસણી કરવામાં
આવી હતી.
કેસ 1 : `G.J-3 ઢોસા કોર્નર'ના સાંભારમાં પ્રતિબંધિત પિંક કલર હોવાથી 50 હજારનો દંડ
રાજકોટ મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા દ્વારા નાના મવા રોડ પર અંબિકા ટાઉનશીપ મેઈન રોડ સ્થિત "G.J-3 ઢોસા કોર્નર"માંથી 'સાંભાર (લુઝ)'નો નમૂનો લેવામાં આવ્યો હતો. વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં તપાસ દરમિયાન આ નમૂનામાં કાયદાથી સર્વથા પ્રતિબંધિત એવો 'પિંક કલર નોન-પર્મીટેડ - ઓઇલ સોલ્યુબલ કલર' મળી આવ્યો હતો, જેના કારણે સાંભારને "અનસેફ ફૂડ" જાહેર કરાયો હતો.આ અંગે મ્યુનિસિપલ કોર્ટમાં ફોજદારી કેસ ચાલતા નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુનિ.) કમલેશકુમાર આર. ગાગનાણીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે પેઢીના માલિક રવિભાઈ પ્રવીણભાઈ મેઘાણીને ૬ માસની સખત કેદ અને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
કેસ 2 : `જય દ્વારકાધીશ હોટલ'ની ચટણીમાં કેમિકલ કલરની ભેળસેળ, માલિકને 2 લાખનો દંડ
બીજા એક કિસ્સામાં, ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી. વાઘેલા દ્વારા યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે આવેલી "જય દ્વારકાધીશ હોટલ"માંથી 'લસણ મરચાંની ચટણી (લુઝ)'નો નમૂનો લેવાયો હતો. લેબોરેટરીના રિપોર્ટમાં આ ચટણી આકર્ષક દેખાડવા માટે તેમાં ઝેરી ગણાતો 'નોન-પર્મીટેડ પિન્ક એન્ડ ઓરેન્જ કલર ઓઇલ સોલ્યુબલ ડાઈ' ભેળવવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું, જેથી આ નમૂનો પણ "અનસેફ" ઠર્યો હતો.આ કેસમાં પણ તમામ દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કમલેશકુમાર આર. ગાગનાણીએ હોટલ માલિક કનુભાઈ નાગજીભાઇ બાંભવાને ૬ માસની સખત કેદ અને રૂ. ૨,૦૦,૦૦૦ (બે લાખ)નો ભારે દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ભોગવવી પડશે.