Loading Please Wait !!!
હથિયાર સાથેનો ફોટો મળ્યો, SOGએ બિલાલને ઝડપ્યો!

  • દેશી પિસ્તોલ અને 2 જીવતા કાર્ટિસ કબ્જે!
  • ઇમરાન ઉર્ફે બાપુડી પાસેથી હથિયાર લીધાની કબૂલાત!
  • પેંડા ગેંગનો સાગરીત ઇમરાન ફરાર, શોધખોળ શરૂ!

સિટી ન્યુઝ @ રાજકોટ 

શહેર SOG ટીમે ગેરકાયદે હથિયાર સાથેનો ફોટો હાથ લાગ્યા બાદ વોચ ગોઠવીને નર્મદા પાર્ક શેરી નંબર 2ના ફ્લેટમાંથી આરોપી બિલાલ દિલાવરભાઈ ઉઠામણાને ઝડપી પાડી તેની પાસેથી 1 દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કાર્ટિસ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પૂછપરછ દરમિયાન બિલાલે કબૂલાત આપી હતી કે ચોટીલામાં રહેતા તેના સબંધીને કોઈ સાથે માથાકૂટ થતા તેણે હથિયાર ખરીદીને ચોટીલા ખાતે માથાકૂટ કરવા માટે પણ ગયો હતો, તેમજ આ ગેરકાયદે હથિયાર તેણે ઇમરાન ઉર્ફે બાપુડી હાસમભાઈ સૈયદ પાસેથી ખરીદ કર્યું હતું.

પોલીસ તપાસમાં ફરાર ઇમરાન ઉર્ફે બાપુડી સૈયદ રાજકોટની કુખ્યાત પેંડા ગેંગનો સાગરીત હોવાનું અને અગાઉ SRP મેનની રાયફલ ઝૂંટવી નાસી જવા સહિત અનેક લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે, જે તાજેતરમાં 1 થી 1.5 મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.

આ ઘટનાક્રમ બાદ પોલીસે હથિયાર પૂરું પાડનાર આરોપી ઇમરાન ઉર્ફે બાપુડી સૈયદની શોધખોળ વધુ તેજ બનાવી છે.

અગાઉ બિલાલ દિલાવરભાઈ ઉઠામણા વિરુદ્ધ રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનમાં 1 અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 મળી કુલ 2 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

બિલાલની ધરપકડ, હથિયાર કડી અને ઇમરાનની શોધખોળ

નર્મદા પાર્કમાંથી SOGએ બિલાલ દિલાવરભાઈ ઉઠામણાને 1 દેશી પિસ્તોલ અને 2 જીવતા કાર્ટિસ સાથે ઝડપીને થોરાળા તથા એ ડિવિઝનના 2 જૂના ગુનાની વિગતો મેળવી છે. ચોટીલા માથાકૂટ માટે પેંડા ગેંગના સાગરીત, 1 થી 1.5 મહિના પહેલા જેલમુક્ત અને SRP રાયફલ લૂંટમાં સંડોવાયેલા ઇમરાન ઉર્ફે બાપુડી પાસેથી હથિયાર લીધાની કબૂલાત બાદ તેની શોધખોળ ચાલી રહી છે.