સીમાંકન પંચમાં સુપ્રીમ જજ, CEC અને રાજ્ય કમિશનર!
- 50 ટકા બેઠકો વધશે, લોકસભા 850 સુધી પહોંચશે!
- 2029માં 33 ટકા મહિલા અનામત લાગુ કરવા કવાયત!
- પંચના આદેશને કાયદાનો દરજ્જો, કોર્ટમાં પડકાર નહીં!
સિટી ન્યુઝ @ દિલ્હી
30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન યોજાનારા સંસદના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર 'સીમાંકન (દ્વિતીય) બિલ, 2026' અને સંબંધિત બંધારણીય સુધારા બિલ રજૂ કરશે, જેમાં દરેક રાજ્યની લોકસભા અને વિધાનસભા બેઠકોમાં 50 ટકાનો સમાન વધારો કરીને 2029ની ચૂંટણી પહેલાં 33 ટકા મહિલા અનામત લાગુ કરવાનો ઉદ્દેશ્ય રખાયો છે.
બિલ પસાર થતા જ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સુપ્રીમ કોર્ટના વર્તમાન કે નિવૃત્ત જજના અધ્યક્ષપદે CEC અથવા તેમના નિયુક્ત કમિશનર અને સંબંધિત રાજ્યના ચૂંટણી કમિશનર (મેઘાલય અને નાગાલેન્ડમાં રાજ્યપાલ નિયુક્ત વ્યક્તિ) મળી 3 સભ્યોનું સીમાંકન પંચ રચાશે, જેના નિર્ણયો બહુમતીથી લેવાશે.
દરેક રાજ્ય માટે લોકસભા અધ્યક્ષ 5 સાંસદો અને વિધાનસભા અધ્યક્ષ 5 ધારાસભ્યોને મતદાન અધિકાર વિના સહયોગી સભ્ય તરીકે નિયુક્ત કરશે, જેમનો અસંમત મત પ્રકાશિત થઈ શકશે, જ્યારે 50 ટકા બેઠક વધારાથી લોકસભાની મહત્તમ સંખ્યા 850 સુધી પહોંચશે અને કાયદો અમલમાં આવે ત્યારે નવીનતમ વસ્તી ગણતરીના આધારે સીમાઓ નક્કી કરાશે.
દરેક વિધાનસભા મતવિસ્તાર 1 જ લોકસભા મતવિસ્તાર હેઠળ રહેશે, SC, ST અને મહિલા અનામત બેઠકો પંચ નક્કી કરીને રોટેટ કરશે, પંચને સિવિલ કોર્ટ જેવી સત્તા મળશે, જનસુનાવણી બાદ અંતિમ આદેશને કાયદાનો દરજ્જો મળશે જેને કોર્ટમાં પડકારી શકાશે નહીં અને ચૂંટણી પંચ માત્ર લિપિક્લીય ભૂલો સુધારી શકશે.
વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ PoK પાકિસ્તાનના નિયંત્રણમાંથી મુક્ત થાય ત્યારે ત્યાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા મતવિસ્તારો નક્કી કરવા ભારતનું ચૂંટણી પંચ જ સીમાંકન પંચ તરીકે કામ કરશે, જ્યારે બિલ પસાર થયા બાદ 50 ટકા રાજ્યોનું અનુમોદન પણ સાથે પૂર્ણ કરવામાં આવશે.
સીમાંકન બિલ, પંચ રચના અને અનામત માળખું
30 નવેમ્બરથી 3 ડિસેમ્બરના વિશેષ સત્રમાં આવનાર બિલ દ્વારા 50 ટકા બેઠક વધારા સાથે 2029માં 33 ટકા મહિલા અનામત લાગુ કરવાની યોજના છે. 3 સભ્યોના પંચને સિવિલ કોર્ટ જેવી સત્તા, બહુમતી નિર્ણય, અંતિમ આદેશને કાયદાનો દરજ્જો, 50 ટકા રાજ્યોનું અનુમોદન અને PoK માટે ચૂંટણી પંચની ભૂમિકા જેવી જોગવાઈઓ મહત્વપૂર્ણ બની છે.