Loading Please Wait !!!
મેંદરડામાં મધરાતે દીપડો વંડી ઠેકી ગલુડિયું ઉપાડી ગયો!

  • રહેણાક વિસ્તારમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભય!
  • દીપડાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ!
  • વન વિભાગની ટીમ સ્થળ પર દોડી, તપાસ શરૂ!

    સિટી ન્યુઝ @ જૂનાગઢ 

    મેંદરડા શહેરના રહેણાક વિસ્તારમાં મધરાતે દીપડાએ ભવ્ય પરસોતમભાઈ ઉમરેટીયાના ઘરની વંડી ઠેકીને ગલુડિયાને ઉપાડી જતાં સ્થાનિક રહીશોમાં ભય અને ચકચાર મચી ગઈ હતી, જ્યારે આ સમગ્ર ઘટના ઘરના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

    બનાવની જાણ થતા ખેડૂત પરસોતમભાઈ ઢેબરીયાએ વન વિભાગને માહિતી આપતા ફોરેસ્ટ વિભાગના અધિકારી દિલીપસિંહ સીસોદીયા અને ફોરેસ્ટર રણજીતભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તથા સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

    વન વિભાગની ટીમે દીપડાના પગેરૂ મેળવી તે કઈ દિશામાંથી આવ્યો અને પરત કઈ દિશામાં ગયો તેની તપાસ શરૂ કરી હતી, સાથે જ દીપડો ફરી રહેણાક વિસ્તારમાં પ્રવેશી નુકસાન ન પહોંચાડે તે માટે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી હતી.

    રહેણાક વિસ્તારમાં દીપડાની અવરજવર વચ્ચે વન વિભાગના અધિકારીઓએ સ્થાનિકોને જંગલી દીપડાથી સાવચેત રહેવા તેમજ નાના બાળકો, વૃદ્ધો અને પાલતુ પશુઓના રક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન અને સમજણ આપી હતી.

    નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા સાથે ખાસ કરીને રાત્રિના સમયે બાળકો અને વૃદ્ધોને એકલા બહાર ન જવા દેવા તથા પાલતુ પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધી રાખવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

    મેંદરડા દીપડા ઘટના, વન વિભાગ તપાસ અને સાવચેતી

    મેંદરડાના રહેણાક વિસ્તારમાં ભવ્ય પરસોતમભાઈ ઉમરેટીયાના ઘરની વંડી ઠેકી દીપડો ગલુડિયું ઉપાડી જવાની ઘટના CCTVમાં કેદ થઈ છે, જે બાદ દિલીપસિંહ સીસોદીયા અને રણજીતભાઈએ નિરીક્ષણ કરી પગેરૂ શોધવા તથા પાંજરું મૂકવાની તજવીજ શરૂ કરી છે. રાત્રિના સમયે બાળકો-વૃદ્ધોને એકલા ન છોડવા અને પાલતુ પશુઓને સુરક્ષિત બાંધવા વન વિભાગની અપીલ છે.