Loading Please Wait !!!
રાજકોટમાં 'નો નંબર પ્લેટ, નો ઇંધણ' કડક અમલ!

  • 4 ફિલરમેન, 4 વાહનચાલક અને 1 સંચાલક સામે ફરિયાદ!
  • જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી!
  • રેન્ડમ તપાસ અને સીસીટીવી બેકઅપથી કાર્યવાહી તેજ!

    સિટી ન્યુઝ @ રાજકોટ

    પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પ્રસિદ્ધ 'નો નંબર પ્લેટ, નો ઇંધણ' જાહેરનામાની કડક અમલવારી અંતર્ગત શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગરના વાહનોમાં પેટ્રોલ પૂરી આપનાર 4 ફિલરમેન, 4 વાહનચાલક અને 1 સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

    ગાંધીગ્રામ પોલીસે શીતલ પાર્ક ચોક પાસે ન્યારાના પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગરના બાઈકમાં રૂ. 100 નું પેટ્રોલ પૂરવા બદલ ફિલરમેન અલ્તાફ શેખ સિપાઈ સામે BNS કલમ 223 તથા મોરબીના ચાલક નિશિત મહેતા સામે MV એક્ટ કલમ 207 હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે યુનિવર્સીટી પોલીસે કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે ઇન્ડિયન ઓઇલ પંપ પર એક્સેસ વાહનમાં પેટ્રોલ પૂરવા બદલ ફિલરમેન નરેશભાઈ શીલુ અને ચાલક ઉદય ગોસ્વામી સામે BNS કલમ 223 હેઠળ કાર્યવાહી કરી છે.

    આજીડેમ પોલીસે ભાવનગર રોડ પર એચ.પી. પંપ પર બાઈકમાં પેટ્રોલ પૂરવા બદલ ફિલરમેન ભરતપ્રસાદ મિશ્રા સામે તેમજ કોઠારીયા રિંગરોડ પર કૃષ્ણરાજ પેટ્રોલિયમ ખાતે ફિલરમેન બિપીનભાઈ બોરીસાગર અને ચાલક વિપુલ સોરઠીયા સામે BNS કલમ 223 હેઠળ ગુનો દાખલ કર્યો છે, જ્યારે માલવિયાનગર પોલીસે નાના મવા ચોક ખાતે એચ.પી. પંપના સંચાલક વિવેક ચૌધરી અને ચાલક કાનો સાઢમીયા સામે BNS કલમ 223 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસ દ્વારા રેન્ડમ ચકાસણી અને સીસીટીવી ફૂટેજના બેકઅપના આધારે જાહેરનામાની કડક અમલવારી ફરીથી શરૂ કરવામાં આવી છે અને નિયમનો ભંગ કરનાર પેટ્રોલ પંપ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.

    જાહેરનામા અમલવારી, વાહન સુરક્ષા અને કાયદેસર કાર્યવાહી

    નંબર પ્લેટ વગરના વાહનોની ઓળખ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જાહેરનામાનો કડક અમલ મહત્વપૂર્ણ બને છે. સીસીટીવી દેખરેખ અને નિયમિત ચકાસણીથી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે છે.