BAPS મંદિરે ગ્રીષ્મઋતુમાં ભગવાનને શીતળ ચંદનનો કલાત્મક શણગાર
સિટી ન્યૂઝ@રાજકોટ
સૂર્ય પોતાની અગન જ્વાળાઓ વિસ્તારી થરમોમીટરના પારાને હચમચાવી રહ્યો છે. માણસો આ ગરમીથી બચવા એસી કે આઈસ્ક્રીમનો સહારો લે છે, ત્યારે ભારતીય સંસ્કૃતિની 'યથા દેહે, તથા દેવે' (જેવી આપણા દેહની જરૂરિયાત, તેવી જ ભગવાનની) ની ભાવના સાથે રાજકોટના કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ભગવાનને શીતળ ચંદનના કલાત્મક વાઘાના શણગાર દ્વારા અનોખું ભક્તિઅર્ઘ્ય અર્પણ કરવામાં આવી રહ્યું છે. ગ્રીષ્મઋતુ દરમિયાન ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય તે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભકતો દ્વારા જાતે ચંદનના લાકડાં ઘસીને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધરાવવામાં આવે છે. રાજકોટ બી.એ.પી.એસ. મંદિરે શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજને પૂજારી સંતો દ્વારા ચંદનના વાઘાના અત્યંત કલાત્મક શણગાર કરવામાં આવી રહ્યા છે.
ગરમીથી રાહત માટે ભગવાનને ચંદન લગાડી ભક્તો પોતાની અપાર શ્રદ્ધા પ્રગટ કરે છે. આ વર્ષે વૈશાખ વદ ત્રીજથી લઈ જેઠ (અધિક) વદ ત્રીજ સુધી સળંગ 1 માસ ભગવાનને ચંદનના વાઘા પહેરાવવામાં આવશે. જેના દર્શન કરી ભાવિકો આંતરિક શીતળતા અનુભવે છે. 4 મે થી શરૂ થયેલ ભગવાનના ચંદનના કલાત્મક શણગારના દર્શન આગામી 4 જૂન સુધી દરરોજ સવારે 7:45 વાગ્યે શણગાર આરતીથી સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી સુધી ભાવિક ભક્તો કરી શકશે. ચંદન એ સમર્પણનું પ્રતિક છે. તે પોતે ઘસાય છે છતાં સુગંધ આપે છે. મંદિરમાં સૂર્યાસ્ત બાદ ભગવાનને ધરાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે. ત્યારબાદ યુવકો દ્વારા તે ચંદનની ગોટી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ નિત્યપૂજામાં તિલક કરવા માટે કરે છે. આ પ્રકારે ભગવાનનું પ્રસાદીભૂત ચંદન સદાય તેમના ભાલે રહે છે અને તેમનામાં પવિત્રતા તથા શીતળતાનો સંચાર કરે છે.