Loading Please Wait !!!
જામનગરમાં વરસાદનું પહેલું ઝાપટું, પ્રી-મોન્સૂન કામગીરીના ઉડ્યા ધજાગરા

  • માત્ર 1 ઇંચ વરસાદમાં જ પોશ વિસ્તારો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
  • ગંદા પાણીથી રસ્તાઓ દૂષિત, તંત્રની લાપરવાહી સામે નગરજનોનો ભારે આક્રોશ
  •  સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં ભરાયા પાણી, ચોમાસા પહેલા જ તંત્ર લાચાર

સિટી ન્યુઝ @ જામનગર

જામનગરમાં ચોમાસાના આગમન સાથે જ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં વહી ગયા છે. શહેરમાં માત્ર ૧ ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડતાં જ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તંત્રની પોલ ખૂલી ગઈ છે. નાગનાથ ગેટ પાસે આવેલી મહેશ્વરી વાંસાની કેનાલ ઓવરફ્લો થતા ગટર અને કેનાલના ગંદા પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા હતા, જેને લીધે વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

આશ્ચર્યજનક વાત એ છે કે, માત્ર સામાન્ય વિસ્તારો જ નહીં, પરંતુ શહેરના પોશ વિસ્તારો અને મહત્વની સરકારી કચેરીઓ પણ આ જળબંબાકારની સ્થિતિમાંથી બાકાત રહી નથી. જિલ્લા પંચાયત કચેરી, ગવર્મેન્ટ કોલોની અને સર્કિટ હાઉસ જેવા પ્રતિષ્ઠિત સરકારી પરિસરોમાં ચારેબાજુ પાણી ભરાઈ જતા વહીવટી તંત્રની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિક રહીશોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હજી તો ચોમાસાની શરૂઆત છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે શહેરની હાલની સ્થિતિ જોતા આગામી સમય વધુ કપરો સાબિત થઈ શકે તેમ છે. પ્રાથમિક વરસાદમાં જ જો શહેરમાં આ પ્રકારના વરવા દ્રશ્યો સર્જાતા હોય, તો આગામી દિવસોમાં જનજીવન કથળવાની ભીતિ સેવાઈ રહી છે. નગરજનો હવે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની અને તાત્કાલિક અસરકારક કામગીરી કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.

તંત્રના દાવાઓની પોલ

જામનગરમાં પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર કામ થયાનું આ એક ઇંચ વરસાદે પુરવાર કરી દીધું છે. શહેરની પોશ સોસાયટીઓ અને મુખ્ય સરકારી કચેરીઓના પરિસર પાણીમાં ડૂબેલા હોવા છતાં જવાબદારો હજુ પણ કુંભકર્ણી નિદ્રામાં હોય તેમ લાગે છે. જો અત્યારથી આવી સ્થિતિ હોય, તો ખરું ચોમાસું બેસશે ત્યારે શહેરની કફોડી હાલતનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે.