Loading Please Wait !!!
બિહારમાં ચૂંટણી જીતના 72 કલાકમાં મોટો રાજકીય ખેલ!

  • અપક્ષ વિધાન પરિષદ સભ્યોના ભાજપમાં જોડાવાથી વિપક્ષ લાલઘૂમ!
  • બંશીધર બ્રજવાસી અને રાહુલ રાજે પક્ષ સ્વીકાર્યો!
  • પક્ષપલટા વિરોધી કાયદાના ભંગ બદલ કાનૂની લડાઈ!

સિટી ન્યુઝ @ પટના 

બિહાર વિધાન પરિષદની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યાના માત્ર 72 કલાકની અંદર જ રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે, જ્યાં તિરુહત અને સારણ બેઠકના અપક્ષ વિજેતા MLC બંશીધર બ્રજવાસી અને રાહુલ રાજે ભાજપમાં જોડાઈ જવાની જાહેરાત કરી છે.

શનિવારે ભાજપ કાર્યાલયમાં જઈને આ બંને નેતાઓએ પાર્ટીની સદસ્યતા સ્વીકારી લીધી હતી અને સદસ્યતાની પર્ચીઓ સાથેના તેમના ફોટા પણ સામે આવ્યા છે, જેના કારણે રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચી ગયો છે.

વિપક્ષી પક્ષોએ આ પગલાને બંધારણની 10મી અનુસૂચિ એટલે કે પક્ષપલટા વિરોધી કાયદાનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે, કારણ કે નિયમ મુજબ કોઈ પણ અપક્ષ વિજેતા ચૂંટણી બાદ પક્ષ બદલે તો તેની સદસ્યતા જોખમમાં મુકાઈ શકે છે.

આ ઘટનાક્રમથી લાલઘૂમ બનેલા RJD નેતા તેજસ્વી યાદવે ભાજપ પર બંધારણની મજાક ઉડાવવાનો ગંભીર આરોપ લગાવીને બંને નેતાઓને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે અને સોમવારે વિધાન પરિષદના ચેરમેન સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત કરી છે.

બીજી તરફ, પ્રશાંત કિશોરની 'જન સુરાજ' પાર્ટીએ પણ આ ઘટનાને લોકશાહીની મજાક ગણાવી છે અને જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય તો આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડાઈ લડવાની ચીમકી ઉચ્ચારી છે.

લોકશાહી મૂલ્યો અને પક્ષપલટા વિરોધી કાયદાની વાસ્તવિકતા

ભારતીય રાજકારણમાં ચૂંટણી જીત્યા બાદ અપક્ષ ઉમેદવારો દ્વારા રાતોરાત સત્તાधारी પક્ષોમાં જોડાઈ જવાની સંસ્કૃતિ એ આપણી લોકશાહી અને જનતાના વિશ્વાસ સાથે ચેડા સમાન છે. બંધારણની દસમી અનુસૂચિ અને પક્ષપલટા વિરોધી કાયદાઓ ભલે કાગળ પર કડક દેખાતા હોય, પરંતુ સત્તાની લાલસા અને રાજકીય દાવપેચ સામે ઘણીવાર આ નિયમો મૂગા દ્રષ્ટા બની જતા હોય છે. જ્યારે જનપ્રતિનિધિઓ જ નૈતિકતાનેવેંચીને સત્તાના સમીકરણો ગોઠવવામાં લાગી જાય છે, ત્યારે સામાન્ય નાગરિકોનો લોકશાહી પ્રક્રિયા પરથી ભરોસો ઉઠવા લાગે છે. બિહારની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે રાજકારણમાં સિદ્ધાંતો કરતા સત્તાની ભૂખ હંમેશાં ભારે પડતી હોય છે.