Loading Please Wait !!!
ભારતમાં છેલ્લા 33 વર્ષમાં વંધ્યત્વના કેસ વધ્યા!

ઇનફર્ટિલિટીની સમસ્યા ત્રણ ગણાથી પણ વધુ થઈ!
વર્ષ 2023 સુધી કુલ કેસ 4.92 કરોડ પહોંચ્યા!
બ્રિક્સ દેશોમાં ભારતમાં વંધ્યત્વનું પ્રમાણ સૌથી વધુ!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી : માતા-પિતા બનવાની ખુશી પાછળ ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે દેશમાં વંધ્યત્વ (ઇનફર્ટિલિટી) ની સમસ્યા છેલ્લા 33 વર્ષમાં ત્રણ ગણાથી પણ વધુ વધી ગઈ છે.

'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ વિમેન્સ હેલ્થ'માં પ્રકાશિત બ્રિક્સ (BRICS) દેશોના તાજા અહેવાલ મુજબ, વર્ષ 1990 માં 1.59 કરોડૂ રહેલા અંદાજિત કેસ વધીને 2023 સુધીમાં 4.92 કરોડ સુધી પહોંચી ચૂક્યા છે.

દુનિયાભરમાં વંધ્યત્વના કુલ કેસોમાંથી 51 ટકા કેસ બ્રિક્સ દેશોમાં નોંધાયા છે, જેમાં ઇનફર્ટિલિટીની કુલ સંખ્યા અને તેના વાર્ષિક વધારાની બાબતમાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોખરે છે.

અહેવાલ મુજબ ભારતીય મહિલાઓમાં આ સમસ્યા પુરુષો કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે, જ્યાં 4.92 કરોડ કેસોમાંથી 3.64 કરોડ મહિલાઓ અને 1.28 કરોડ પુરુષો છે, જે વૈશ્વિક સ્તરે 24 ટકા હિસ્સો ધરાવે છે.

ખાસ કરીને 25 થી 29 વર્ષની વયજૂથની ભારતીય મહિલાઓમાં વંધ્યત્વ દર વર્ષે સરેરાશ 3.21 ટકાના દરે વધી રહ્યું છે, જે કુટુંબ નિયોજન અને પ્રજનન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યંત ચિંતાજનક વિષય છે.

આધુનિક જીવનશૈલી અને પ્રજનન સ્વાસ્થ્યના પડકારો

આજના ભાગદોડ ભરેલા યુગમાં આધુનિક જીવનશૈલી, ખાવાપીણીની અનિયમિત આદતો, માનસિક તણાવ અને પર્યાવરણીય પ્રદૂષણ જેવી બાબતો માનવ શરીર પર ગંભીર અસરો છોડી રહી છે. વંધ્યત્વ જેવી સમસ્યાઓ જે અગાઉ વ્યાપક સ્વરૂપે નહોતી દેખાતી, તે હવે યુવા વર્ગમાં ચિંતાજનક રીતે વધી રહી છે. સમયસર જાગરૂકતા, યોગ્ય તબીબી તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી આ વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા સામે યોગ્ય લડત આપી શકાય છે. સરકાર અને તબીબી ક્ષેત્રે આ દિશામાં વિશેષ માર્ગદર્શન અને જાગરૂકતા અભિયાનો ચલાવવાની અનિવાર્ય આવશ્યકતા છે.

દુનિયાનો અડધો બોજ માત્ર પાંચ દેશો પર
બ્રિક્સના પાંચ દેશોમાં વંધ્યત્વના લગભગ 10.62 કરોડ કેસ હતા, જે દુનિયાના કુલ 20.66 કરોડ કેસના 51.40 ટકા જેટલા છે. બ્રિક્સ દેશોના દર 10 માંથી 9 કેસ ભારત અને ચીનમાં છે. આ પાંચ દેશોની વસ્તી દુનિયાની કુલ વસ્તીના 40 ટકા છે, એટલે કે વંધ્યત્વના કેસમાં તેમની ભાગીદારી વસ્તીના પ્રમાણ કરતાં પણ વધી ગઈ છે.

બ્રિક્સ દેશોની સ્થિતિ 
ભારતઃ 4.92 કરોડ
ચીનઃ 4.57 કરોડ
રશિયાઃ 49.16 લાખ
બ્રાઝિલઃ 41.24 લાખ
દક્ષિણ આફ્રિકાઃ 21.83 લાખ

ક્યાં કેવી સ્થિતિ છે?
ચીન : મહિલાઓમાં 35 થી 39 વર્ષની વયમાં વંધ્યત્વનો સૌથી વધુ દર છે, જોકે વધારાનો દર ભારતની સરખામણીએ ધીમો છે.
રશિયા : 30 થી 34 વર્ષના પુરુષોમાં વંધ્યત્વનો દર વધારે છે.
બ્રાઝિલઃ વંધ્યત્વના વધારાનો દર ભારત પછી સૌથી ઝડપી છે.
દક્ષિણ આફ્રિકાઃ દર સ્થિર છે, છતાં 2020 થી 2023 દરમિયાન ફરી ઉછાળો જોવા મળ્યો છે.

દુનિયામાં મહિલાઓમાં વંધ્યત્વ
 બ્રિક્સ દેશોમાં મહિલાઓમાં 7.81 કરોડ જ્યારે પુરુષોમાં 2.81 કરોડ કેસ છે.
  સમગ્ર દુનિયામાં આ આંકડો અનુક્રમે 14.92 કરોડ (મહિલાઓ) અને 5.74 કરોડ (પુષો) છે.
 આનું એક મુખ્ય કારણ એ પણ માનવામાં આવે છે કે મહિલાઓમાં પ્રજનન સંબંધિત સમસ્યાઓની તપાસ અને ઓળખ વધુ પ્રમાણમાં થાય છે.

શા માટે વધી રહી છે આ સમસ્યા?
1. બદલાતી જીવનશૈલી : વધુ કેલરીવાળો ખોરાક, શારીરિક નિષ્ક્રિયતા, મેદસ્વીતા અને ડાયાબિટીસ જેવા રોગો.
2. પ્રદૂષણ અને રસાયણો : શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણની સાથે હોર્મોનની સામાન્ય પ્રક્રિયામાં અડચણ તેમજ કેમિકલ્સના સંપર્કમાં વધારો.
3. સારવાર સુધી મર્યાદિત પહોંચ : સમયસર તપાસ અને સાચી સારવાર ન મળવી એ પણ એક મોટું કારણ છે.

દર એક લાખ નાગરિકોમાં વંધ્યત્વની સ્થિતિ 
દર એક લાખ નાગરિકોમાં વંધ્યત્વની સ્થિતિ વિશે વાત કરીએ તો, વર્ષ 1990 અને વર્ષ 2023 દરમિયાન રશિયામાં દર એક લાખ નાગરિકો દીઠ વંધ્યત્વનો દર વર્ષ 1990માં 6,464 હતો, જે વધીને વર્ષ 2023માં 6,706 થયો છે અને વર્ષ 2023માં માત્ર મહિલાઓ માટે આ સરેરાશ દર 8,983 જેટલો નોંધાયો છે.

ચીનની વાત કરીએ તો, વર્ષ 1990માં અહીં આ દર 6,083 હતો જે વધીને વર્ષ 2023માં 6,501 થયો છે, તેમજ વર્ષ 2023માં એક લાખ મહિલાઓ પર સરેરાશ વંધ્યત્વનો દર 9,969 રહ્યો છે.

ભારતમાં આ સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં વર્ષ 1990માં વંધ્યત્વનો દર 3,990 હતો જે વધીને વર્ષ 2023માં 6,151 પર પહોંચી ગયો છે અને વર્ષ 2023માં પ્રતિ એક લાખ મહિલાઓ પર આ સરેરાશ 9,400 દર્શાવવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકામાં વર્ષ 1990માં આ દર 5,788 હતો જે વર્ષ 2023માં લગભગ સમાન રહીને 5,787 થયો છે, જ્યારે વર્ષ 2023માં ત્યાં મહિલાઓનો સરેરાશ દર 8,999 નોંધાયો છે. 

બ્રાઝિલમાં વર્ષ 1990ના 2,622 સામે વર્ષ 2023માં વંધ્યત્વનો દર વધીને 3,602 થયો છે અને વર્ષ 2023માં મહિલાઓ માટે આ સરેરાશ 4,859 રહી છે. અંતે, વૈશ્વિક સ્તરે સમગ્ર દુનિયાની વાત કરીએ તો, વર્ષ 1990માં દર એક લાખ નાગરિકો દીઠ વંધ્યત્વનો દર 4,288 હતો જે વધીને વર્ષ 2023માં 5,160 થયો છે, તથા વર્ષ 2023માં સમગ્ર દુનિયામાં એક લાખ મહિલાઓ પર સરેરાશ વંધ્યત્વનો દર 7,562 જેટલો નોંધાયો છે.