જૂનાગઢ કોંગ્રેસમાં 'યાદવાસ્થળી': ટિકિટ મુદ્દે પ્રમુખ અને કાર્યકર બાખડ્યા, હીરા જોટવા પણ ‘તું-તું, મે-મે’ પર ઉતરી આવ્યા!
- ડુંગરપુર સીટ પર માનીતાને ટિકિટ આપતા ભડકો – મીડિયા સાથે પણ પ્રમુખ અમિત પટેલની દાદાગીરી
- ધીરૂ ગોહેલનો કોંગ્રેસમાં પ્રવેશ – વડાલ સીટ પર રાતોરાત ઉમેદવાર બદલાતા પક્ષ સાથે છેડો ફાડ્યો
- કોઈ હોદ્દાની લાલચ નથી, AAP ની નીતિઓ સામે વિરોધ છે – જૂનાગઢમાં ચૂંટણી પહેલા સમીકરણો બદલાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ જૂનાગઢમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે એક તરફ આનંદ અને બીજી તરફ આક્રોશના દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા SC સેલના પ્રમુખ ધીરૂ ગોહેલે પક્ષ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જોકે, આ આનંદના માહોલમાં ટૂંક સમયમાં જ વિવાદનો ભડકો થયો હતો, જ્યારે ટિકિટ મુદ્દે પક્ષના જ કાર્યકરોએ જિલ્લા પ્રમુખ અમિત પટેલને ઘેર્યા હતા.
ધીરૂ ગોહેલે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ AAP પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "આમ આદમી પાર્ટી ખરેખર ભાજપની 'બી-ટીમ' છે. વડાલ સીટ પરથી મારું નામ નક્કી હોવા છતાં રાતોરાત માનીતાઓને ટિકિટ આપવા ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા છે." ધીરૂ ગોહેલની સાથે અનેક મહિલા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાઈ હતી, જેને હીરા જોટવાએ પક્ષમાં આવકાર્યા હતા.
જોકે, આ દરમિયાન ડુંગરપુર સીટ પર ઉમેદવારની પસંદગીને લઈને મોટો હોબાળો મચ્યો હતો. કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે પ્રમુખ અમિત પટેલે પહેલા કાર્યકર્તાને લડવાની ખાતરી આપી અને બાદમાં પોતાના માનીતાનું ફોર્મ ભરાવી દીધું. આ મુદ્દે અમિત પટેલ અને કાર્યકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં હીરા જોટવા પણ પ્રમુખના બચાવમાં આવી કાર્યકર સાથે ‘તું-તું, મે-મે’ પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ એટલી તંગ બની હતી કે હાજર રહેલા અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો શાંત પાડવો પડ્યો હતો.
સૌથી વધુ વિવાદ પ્રમુખ અમિત પટેલના વર્તન સામે થયો છે. જ્યારે પત્રકારો આ વિવાદનું કવરેજ કરી રહ્યા હતા, ત્યારે અમિત પટેલે પોતાની 'દાદાગીરી' બતાવી મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને વીડિયો ઉતારતા અટકાવ્યા હતા. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જૂનાગઢ કોંગ્રેસનો આ આંતરિક વિખવાદ અને મીડિયા સાથેનું વર્તન ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. હવે જોવાનું એ રહેશે કે 'આપ' માં પડેલું ભંગાણ કોંગ્રેસને ફાયદો કરાવે છે કે પછી આ આંતરિક યાદવાસ્થળી ભાજપ માટે જીતનો રસ્તો સાફ કરે છે.