Loading Please Wait !!!
ગુંદી ગામે પોલીસ પર હુમલો: વાહન ચેકિંગમાં દખલ કરનાર ટોળા સામે ગુનો

  • 10 નામજોગ શખ્સો અને મહિલાઓ સામે પોલીસની કડક કાર્યવાહી; વિસ્તારમાં તંગદિલી
  • પોલીસને ધક્કે ચઢાવી જાહેરમાં ગાળો ભાંડી; BNS ની વિવિધ કલમો હેઠળ ધરપકડના ચક્રો ગતિમાન
  • ઇન્ચાર્જ PI સહિતના સ્ટાફ સાથે ધક્કામુક્કી; ચાર વાહનચાલકો સહિત ટોળાએ મચાવ્યો હોબાળો

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથક હેઠળના ગુંદી કેરીયા ગામે વાહન ચેકિંગની કામગીરી કરી રહેલા પોલીસ કાફલા પર સ્થાનિક લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. વાહનો ડિટેઈન કરવા જેવી કાયદેસરની પ્રક્રિયા બાબતે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી કરતા મામલો ગરમાયો હતો. આ સંદર્ભે પોલીસે 10 નામજોગ શખ્સો સહિત અજાણ્યા પુરુષો અને મહિલાઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઘોઘા પોલીસ મથકથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.એન. ચાવડા અને તેમનો સ્ટાફ ગત સાંજે ગુંદી કેરીયા ગામે વાહન ચેકિંગની કામગીરીમાં હતો. આ દરમિયાન જેન્તીભાઈની કરિયાણાની દુકાન પાસે ચાર મોટરસાઇકલ શંકાસ્પદ અને ખામીયુક્ત જણાતા પોલીસે M.V. Act ની કલમ 207 મુજબ વાહનો ડિટેઈન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પોતાના વિસ્તારના વાહનો પકડાતા ચકા ધુસાભાઇ વાઘેલા, મેહુલ ભરતભાઇ સરવૈયા અને અન્ય વાહનચાલકો ઉશ્કેરાઈ ગયા હતા.

જોતજોતામાં ત્યાં 10 થી વધુ શખ્સો અને મહિલાઓનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ ટોળાએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી "અમારા વિસ્તારના વાહનો કેમ પકડો છો?" તેમ કહી ધક્કામુક્કી શરૂ કરી હતી. ટોળાએ પોલીસને ચેકિંગ સ્થળેથી બળજબરીપૂર્વક પાછળ ખસેડી દીધા હતા અને જાહેરમાં ગાળો આપી પોલીસની કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દરમિયાન વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

પોલીસ પર થયેલા આ હુમલા અને ગુનાહિત બળપ્રયોગ સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ચકા વાઘેલા, મેહુલ સરવૈયા, હરેશ પરમાર, હિંમત વાઘેલા, સુજન ચારોલીયા, કમા વાઘેલા, સંજય વાઘેલા, સાગર વાઘેલા અને વિપુલ પરમાર સહિતના 10 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. આ ઉપરાંત ટોળામાં સામેલ અન્ય અજાણ્યા પુરુષો અને મહિલાઓનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

ઘોઘા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 132, 296(b), 189(2), 191(2) અને 190 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટાફ પર હુમલો કરનારા તત્વોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.