Loading Please Wait !!!
પાદરા PI વતી 2 લાખની લાંચ લેતો વચેટીયો ACBની ટ્રેપમાં ઝડપાયો, અધિકારી ફરાર

  • લવ જેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા 6 લાખની માગી હતી લાંચ, અક્ષર ચોક પાસે ઓપરેશન
  • 6 લાખનો સોદો 2 લાખમાં નક્કી થયો, એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી વચેટીયાને દબોચ્યો
  • ઝઘડાના કેસને લવ જેહાદમાં ખપાવવાની ધમકી આપી લાંચ માગનાર અધિકારીની શોધખોળ તેજ

વડોદરા ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB) ગુરુવારે અક્ષર ચોક ખાતે એક સફળ ટ્રેપ ગોઠવી પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એ. ચારણ વતી 2 લાખની લાંચ લેતા સાજીદઅલી સૈયદ નામના વચેટીયાને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કેસમાં ભ્રષ્ટ પીઆઈ વી.એ. ચારણ હાજર મળી ન આવતા એસીબીએ તેમને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

આ કેસની વિગતો મુજબ, પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. ચારણે એક સામાન્ય ઝઘડાના કેસમાં લવ જેહાદનો ગુનો દાખલ કરવાની અને કડક કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. આ કાર્યવાહી ન કરવાના બદલામાં તેમણે ફરિયાદી પાસે 6 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી લાંબી રકઝક બાદ અંતે 2 લાખમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો.

ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. તા. 16 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 3:50 વાગ્યે અક્ષર ચોક ખાતે આવેલા રજવાડી ટી-સ્ટોલ સામે સાજીદઅલી સૈયદે ફરિયાદી પાસેથી 2 લાખની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે એસીબીની ટીમે ત્રાટકીને તેને ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ખાનગી વ્યક્તિ સાજીદઅલી સૈયદ પીઆઈ વી.એ. ચારણના કહેવા મુજબ લાંચની માંગણી કરતો હતો અને વારંવાર ફોન કરીને રકમ આપવા દબાણ કરતો હતો. ટ્રેપ દરમિયાન પીઆઈ ચારણ સ્થળ પર હાજર નહોતા, જેથી એસીબીએ તેમની સામે ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર કામગીરી વડોદરા ગ્રામ્ય એસીબીના ઇન્ચાર્જ પીઆઈ એ.એન. પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. આ ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક બી.એસ. પટેલ અને નાયબ નિયામક બળદેવ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. લવ જેહાદના નામે નિર્દોષોને ડરાવી લાંચ માંગનારા પોલીસ અધિકારી સામે થયેલી આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.