Loading Please Wait !!!
સોમનાથમાં 11 મીએ ઐતિહાસિક દિવસ રોડ શો, એર શો અને પુષ્પવર્ષા

  • PMના રોડ શોથી ગુંજશે દેવભૂમિ

સિટી ન્યૂઝ@રવિ ખખ્ખર-ગીર સોમનાથ : સોમનાથ મંદિર ખાતે આગામી તા. 11 મેના રોજ આધ્યાત્મિક ગૌરવ, રાષ્ટ્રીય અભિમાન અને સાંસ્કૃતિક વૈભવનો અદ્વિતીય મહોત્સવ સર્જાવા જઈ રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી તથા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી સ્વાભિમાન પર્વ અંતર્ગત અમૃત મહોત્સવમાં સોમનાથ પધારવાના હોવાથી સમગ્ર દેવભૂમિ ભક્તિ અને ભવ્યતાના રંગે રંગાઈ ગઈ છે. વડાપ્રધાનના હસ્તે મંદિર શિખર પર થનારો જળાભિષેક આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહેશે.

નૂતન સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં તા. 8 થી 12 મે દરમિયાન પાંચ દિવસીય વૈદિક અને ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સમગ્ર કાર્યક્રમમાં 11 મેનો દિવસ ઐતિહાસિક અને વિશેષ આકર્ષણોથી ભરપૂર બની રહેવાનો છે. સોમનાથમાં માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ રાષ્ટ્રીય ગૌરવનો મહાસંગમ સર્જાવાનો છે, જેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે જામનગરથી વિશેષ હેલિકોપ્ટર મારફતે સોમનાથ હેલિપેડ ખાતે પહોંચશે. ત્યારબાદ સોમનાથ મંદિરથી હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાશે. સમગ્ર માર્ગને કેસરિયા ધ્વજો, આકર્ષક લાઇટિંગ, સાંસ્કૃતિક ઝાંખીઓ અને સ્વાગત દ્વારોથી શણગારવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના સ્વાગત માટે સોમનાથમાં અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિવિધ સમાજો, સંતો, યુવા મંડળો અને મહિલા સંગઠનો દ્વારા પરંપરાગત સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઢોલ-નગારાં, શંખનાદ અને પવિત્ર વેદોચ્ચાર વચ્ચે યોજાનારો આ રોડ શો દેવભૂમિના ગૌરવનું પ્રતિક બની રહેશે. ભાજપ સંગઠન દ્વારા આ રોડ શોને ઐતિહાસિક અને ગરિમામયી બનાવવા માટે વિશેષ માઈક્રો પ્લાનિંગ હાથ ધરાયું છે.

11 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વના પ્રારંભ પ્રસંગે સોમનાથના આકાશમાં રજૂ કરાયેલ નયનરમ્ય ડ્રોન શોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે 11 મેના રોજ મંદિરની 75 મી સ્થાપના દિવસની ઉજવણીને વધુ ભવ્ય અને અવિસ્મરણીય બનાવવા ભારતીય વાયુસેના દ્વારા વિશેષ એર શો રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શન શ્રદ્ધાળુઓમાં દેશભક્તિનો નવો સંચાર કરશે.

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા Hawk Mk-132 એરક્રાફ્ટની મદદથી આકાશમાં ત્રિરંગી ધૂમ્રરેખાઓ સર્જવામાં આવશે. કેસરી, સફેદ અને લીલા રંગના સ્મોક ડિસ્પ્લે સાથે સમગ્ર સોમનાથનું આકાશ દેશભક્તિના રંગે રંગાઈ જશે. આધ્યાત્મિકતાના ધામમાં વાયુસેનાના આ કરતબો રાષ્ટ્રીય શક્તિનું દર્શન કરાવશે.

આકાશમાં સર્જાનાર આ અદભૂત દૃશ્યો હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે જીવનભર યાદગાર બની રહેશે. આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય શક્તિનો આ સંગમ સમગ્ર કાર્યક્રમને અનોખી ઊંચાઈ આપશે. મંદિર પરિસરની આસપાસની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વહીવટી તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પ્રધાનમંત્રીના રોડ શો તેમજ મંદિર આગમન દરમિયાન હેલિકોપ્ટર મારફતે ભવ્ય પુષ્પવર્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસર, રોડ શો રૂટ અને મુખ્ય કાર્યક્રમ સ્થળો પર આકાશમાંથી ફૂલોની વર્ષા થશે, જેના કારણે સમગ્ર વાતાવરણ અત્યંત ભક્તિમય અને ઉત્સવમય બની જશે. પ્રધાનમંત્રીના આ પ્રવાસને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્તેજના વ્યાપેલી છે.

11 મેના કાર્યક્રમના મુખ્ય આકર્ષણો

  • ભવ્ય રોડ-શો: હેલિપેડથી મંદિર અને ત્યાંથી હમીરજી સર્કલ સુધી પ્રચંડ જનમેદની વચ્ચે શક્તિપ્રદર્શન સમાન રોડ-શો યોજાશે.
  • વાયુદળની કેસરી કરામત: ભારતીય વાયુસેનાના Hawk Mk-132 પ્લેન દ્વારા આકાશમાં કલરફુલ સ્મોક ડિસ્પ્લે (ત્રિરંગો) રજૂ કરી રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાશે.
  • શિખર પર જળાભિષેક: વૈદિક પૂજા બાદ 150 ફૂટ ઊંચા શિખર પર મહાકાય ક્રેનની મદદથી વડાપ્રધાનના હસ્તે પવિત્ર નદીઓના જળથી ઐતિહાસિક જળાભિષેક થશે.
  • આકાશી પુષ્પવર્ષા: રોડ-શો રૂટ અને મંદિર પરિસરમાં હેલિકોપ્ટર મારફતે ભવ્ય ફૂલોની વર્ષા કરાશે.
  • જંગી જાહેરસભા: બપોરના સમયે સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમમાં લાખો લોકોની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીનું સંબોધન.
  • ત્રિસ્તરીય સુરક્ષા: SPG, ATS અને સ્થાનિક પોલીસ દ્વારા ડ્રોન અને CCTV થી સજ્જડ મોનિટરિંગ.