પાટણમાં તળાવ અને કેનાલો પાણી વગર સુકાભઠ્ઠ બન્યા!
- પાટણમાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો આર્થિક સંકટમાં!
- દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં પાટણને બાકાત રાખતા આક્રોશ!
- સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ!
સિટી ન્યુઝ @ પાટણ
રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવતા સરસ્વતી તાલુકાના ખેડૂતોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
સરસ્વતી તાલુકાના રણાવ, મેલુસણ, મોરપા અને ઘેચેલી સહિતના ગામોમાં સિંચાઈના પાણીના અભાવે એરંડા, કપાસ અને ઘાસચારા જેવા ઊભા પાક સુકાઈ રહ્યા છે, જેના કારણે ધરતીપુત્રો આર્થિક સંકટમાં મુકાયા છે.
ખેડૂતોએ સુકાભઠ્ઠ તળાવમાં એકઠા થઈને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગ કરી હતી કે કેનાલો અને તળાવોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અથવા પાટણને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય.
મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા પછી પણ પાણી ન મળવાને કારણે પાક નિષ્ફળ જવાની અણી પર છે, એટલું જ નહીં પરંતુ પશુપાલન માટે ઘાસચારાની પણ ભારે અછત સર્જાઈ છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખીને કેનાલોમાં તાકીદે પાણી છોડવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
પાટણના ખેડૂતોની વેદના અને સિંચાઈના પાણીનો અભાવ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં કેનાલો અને તળાવો પાણી વગર ધૂળ ઉડાડી રહ્યા છે, ત્યારે અન્નદાતાઓની આ લાચારી તંત્રની ઉદાસીનતાની પોલ ખોલે છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને પંપ પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ છેલ્લી ઘડીએ પાણી ન મળતા ખેડૂતોના મોંઘા પાક નજર સમક્ષ સુકાઈ રહ્યા છે. માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલન પણ મુશ્કેલ બનતા માલધારીઓ અને ખેડૂતો બેહાલ થઈ ગયા છે. જો સરકાર સમયસર સુજલામ સુફલામ અને દાંતીવાડા કેનાલોમાં નીર નહીં વહેવડાવે, તો આ આર્થિક સંકટ ગ્રામ્ય વિસ્તારોની કમર તોડી નાખશે.