વર્ષો પહેલાં કરેલી અરજી છતાં BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી અટકી
-
પાકિસ્તાને 2023માં બ્રિક્સની સદસ્યતા માટે કરી હતી અરજી
-
બ્લોકના સર્વસંમતિ આધારિત નિયમો અને વીટો બનેલો છે રોક
-
ભારતની બ્રિક્સ દેશો સાથેની નિકાસ વધીને 95.7 બિલિયન થઈ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
પાકિસ્તાને આર્થિક પડકારોથી છૂટકારો મેળવવા માટે બ્રિક્સ (BRICS) ની સદસ્યતા મેળવવા માટે વર્ષ 2023માં જ અરજી કરી હતી, પરંતુ ભારતના મજબૂત વીટો પાવર અને બ્લોકના સર્વસંમતિ આધારિત નિયમોને કારણે પાકિસ્તાનનો પ્રવેશ હજુ સુધી અટકેલો છે. વિશ્વ બેંક અને આઈએમએફ પરની નિર્ભરતા ઘટાડવા માટે પાકિસ્તાને બ્રિક્સ સમર્થિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં 580 મિલિયન ડોલરનું હિસ્સાકીય રોકાણ પણ કર્યું છે, છતાં તેને સફળતા મળી નથી.
ગયા વર્ષે બ્રિક્સમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન અને યુએઈ જેવા નવા સભ્યો જોડાયા હોવા છતાં પાકિસ્તાનની એન્ટ્રી રોકવામાં ભારતની કૂટનીતિક તાકાત નિર્ણાયક સાબિત થઈ છે. જોકે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા અને વૈશ્વિક દક્ષિણ જૂથમાં સ્થાન મેળવવા માટે મોસ્કો અને બેઇજિંગ સહિતના સભ્ય દેશોના સતત સંપર્કમાં છે, તેમ છતાં ભારતનો વિરોધ પાકિસ્તાન માટે સૌથી મોટો અવરોધ બની રહ્યો છે.
વૈશ્વિક મંચ પર ભારતનું વ્યૂહાત્મક વલણ
બ્રિક્સ જૂથ વૈશ્વિક વસ્તીના આશરે 49 ટકા અને વૈશ્વિક જીડીપીના લગભગ 40 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં ભારતની આર્થિક ભાગીદારી અને નિકાસમાં પણ જંગી વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને હિતોને ધ્યાનમાં રાખીને ભારત પોતાના વીટો પાવરના માધ્યમથી સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે કૂટનીતિક મોરચે સખત વલણ અપનાવી રહ્યું છે.