PM મોદીના જામનગર પ્રવાસ પૂર્વે સુરક્ષા લોખંડી: પૂર્વ SP પ્રેમસુખ ડેલુ મેદાને
- 3 દિવસ જામનગરમાં રોકાઈ બંદોબસ્તનું કરશે સુપરવિઝન; અનુભવના આધારે સોંપાઈ વિશેષ જવાબદારી
- જિલ્લાની ભૌગોલિક સ્થિતિથી પરિચિત હોવાનો મળશે લાભ; ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા
- એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી કડક પહેરો; પૂર્વ SP પ્રેમસુખ ડેલુએ સંભાળ્યો મોરચો
સિટી ન્યુઝ @ જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત જામનગર પ્રવાસને પગલે સમગ્ર પોલીસ તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે. વડાપ્રધાનના બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને અત્યંત સુદ્રઢ બનાવવા માટે જામનગર જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુની ખાસ નિમણૂક કરવામાં આવી છે. તેમની બહોળા અનુભવ અને જિલ્લાની સ્થિતિ પરની પકડને જોતા આ મહત્વની જવાબદારી સોંપાઈ છે.
પ્રેમસુખ ડેલુએ અગાઉ જામનગર જિલ્લામાં ત્રણ વર્ષ સુધી પોલીસ અધિક્ષક તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે. તેઓ જામનગર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સંવેદનશીલ વિસ્તારો અને સ્થાનિક પોલીસ તંત્રની કાર્યપદ્ધતિથી ખૂબ જ સારી રીતે પરિચિત છે. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે હેતુથી તેમને બંદોબસ્તમાં વિશેષ જવાબદારી આપીને બોલાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમસુખ ડેલુ આજે સવારે જ જામનગર આવી પહોંચ્યા હતા. તેઓ આગામી ત્રણ દિવસ સુધી જામનગરમાં રોકાણ કરશે અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સતત સંકલન સાધીને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ સંભાળશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટ, સર્કિટ હાઉસ, લાલબંગલા સર્કલ અને અન્ય મહત્વના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની જીણવટભરી સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ દ્વારા સંભવિત રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. એરપોર્ટથી લઈને વડાપ્રધાન જે જે સ્થળોની મુલાકાત લેવાના છે તે તમામ વિસ્તારોને સુરક્ષાના ઘેરામાં લઈ લેવામાં આવ્યા છે. પૂર્વ SP ડેલુના આગમનથી સ્થાનિક પોલીસ તંત્રને પણ માર્ગદર્શન મળશે અને બંદોબસ્ત વધુ લોખંડી બનશે. આગામી દિવસોમાં સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આખરી ઓપ આપવામાં આવશે.