વિશ્વાસઘાતની પરાકાષ્ઠા: માણાવદરમાં સગી ભાણેજે જ મિત્ર સાથે મળી મામાના ઘરે પાડ્યું ગાબડું
-
રૂ. 2.20 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો; જેતપુર અને વાડલાની બે યુવતીઓ જેલહવાલે
-
તનિષા અને તૃપ્તિએ મળીને ઘડ્યો હતો પ્લાન; તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સાફ કરી દીધા હતા
-
અવારનવાર ઘરે આવતી હોવાથી જાણતી હતી દાગીનાનું સરનામું; પોલીસે ₹2.20 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે એક અત્યંત આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેતમજૂરના ઘરમાં થયેલી લાખોની ચોરીમાં બીજું કોઈ નહીં પણ તેમની પોતાની જ સગી ભાણેજ મુખ્ય સૂત્રધાર નીકળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલીને ભાણેજ અને તેની બહેનપણીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઘટનાની વિગતો રોણકી ગામે રહેતા દિનેશભાઇ સોલંકીના મકાનમાં ગત 12 એપ્રિલના રોજ જ્યારે પરિવાર બહાર હતો, ત્યારે તિજોરીમાંથી સોનાનો હાર, પેન્ડલ સેટ, વીંટી અને ચાંદીના દાગીના મળી કુલ ₹2,20,500 ની મતાની ચોરી થઈ હતી. માણાવદર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમી મળી હતી કે જેતપુરની તનિષા કટારીયા અને વાડલા ગામની તૃપ્તિ ચાવડા આમાં સંડોવાયેલી છે.
વિશ્વાસનો લાભ ઉઠાવ્યો પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે પકડાયેલી તનિષા એ ફરિયાદી દિનેશભાઇની સગી ભાણેજ છે. તનિષા અવારનવાર તેના મામાના ઘરે આવતી હોવાથી તેને ઘરની તમામ પરિસ્થિતિ અને કિંમતી ઘરેણાં ક્યાં રાખવામાં આવે છે તેની પાકી જાણકારી હતી. આ જ 'ભેદુ' જાણકારીનો લાભ લઈને તેણે પોતાની મિત્ર તૃપ્તિ સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસ કાર્યવાહી માણાવદર પોલીસે જેતપુર અને વાડલા ખાતે દરોડા પાડી બંને યુવતીઓને દબોચી લીધી હતી. તેમની પાસેથી સોનાની વીંટીઓ, સોનાના દાણા, ચાંદીની કડલીઓ અને સિક્કા સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. સગી ભાણેજે જ પોતાના મામાના ઘરમાં ગાબડું પાડતા સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરી દીધી છે.