ભારતમાં આરોગ્ય ક્રાંતિ: ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને હવે આજીવન મફત ઇન્સ્યુલિન મળશે
- ગુજરાતની બે દીકરીઓના 8 વર્ષના સંઘર્ષની જીત; અમેરિકા પણ નથી આપતું તેવી સુવિધા ભારત આપશે.
- ફ્રી ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને લેબોરેટરી ટેસ્ટ; શાળાઓ અને આંગણવાડીઓમાં પણ થશે સ્ક્રીનિંગ.
- નીતિ આયોગે ડૉ. સ્મિતા જોષી અને ડૉ. શુક્લા રાવલના ડ્રાફ્ટને આધારે નવી ગાઇડલાઇન બનાવી.
દિલ્હી: ભારતના ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા અંદાજે 8 લાખ બાળકો માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરતા જણાવ્યું છે કે, હવેથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2.0 હેઠળ દરેક બાળકને આજીવન મફતમાં ઇન્સ્યુલિન અને તેને લગતી અન્ય તમામ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ નીતિના અમલીકરણમાં ગુજરાતના વિસનગરના ડૉ. સ્મિતાબેન જોષી અને ડૉ. શુક્લાબેન રાવલનો સિંહફાળો છે. આ જોષી સિસ્ટર્સે છેલ્લા 8 વર્ષથી આ બાળકોને ન્યાય મળે તે માટે આંદોલન અને જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. તેમણે ભારતભરમાં અને છેક અમેરિકામાં પણ કાર યાત્રા કરી ટાઇપ 1 ડાયાબિટીસ પ્રત્યે અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની રજૂઆતોને પગલે નીતિ આયોગે નેશનલ ડ્રાફ્ટ બનાવવાની પ્રપોઝલ મૂકી હતી, જે અંતે મંજૂર કરવામાં આવી છે.
નવી નીતિ મુજબ, દેશની તમામ સરકારી જિલ્લા હૉસ્પિટલોમાં બાળકોને ઇન્સ્યુલિન ઉપરાંત ગ્લુકોમીટર, ટેસ્ટિંગ સ્ટ્રીપ્સ, લેબોરેટરી ટેસ્ટ અને કોમ્પલીકેશન્સ માટેના મેડિકલ ચેકઅપ વિનામૂલ્યે મળશે. અગાઉ સરકારના NCD પ્રોગ્રામમાં માત્ર 30 વર્ષથી ઉપરના લોકોનો જ સમાવેશ થતો હતો, પરંતુ હવે શાળા આરોગ્ય કાર્યક્રમ અને આંગણવાડીઓમાં પણ ડાયાબિટીસ સ્ક્રીનિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત સરકારે અગાઉ વર્ષ 2023-24માં આ માટે 13 કરોડ 88 લાખ રૂપિયા ફાળવી રાજ્ય સ્તરે આની શરૂઆત કરી દીધી હતી, જે હવે રાષ્ટ્રીય સ્તરે એક આદર્શ નીતિ બની છે.