Loading Please Wait !!!
"નવાપરા ફાયરિંગ કેસમાં પોલીસ એક્શન મોડમાં: 6 આરોપીઓનું ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન, લોકોના ટોળેટોળા ઉમટ્યા"

  • જાહિદ લોંડીયા પર હુમલો કરનાર ગેંગને લઈને પોલીસ નવાપરા પહોંચી - રિવોલ્વર કબજે, હાલારી બંધુઓ હજુ ફરાર
  • ગ્રીન કોમ્પ્લેક્સમાં કેવી રીતે ખેલાયો હતો લોહિયાળ ખેલ? - પોલીસે કડીઓ મેળવવા કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન
  • 27 માર્ચ સુધી આરોપીઓ પોલીસના મહેમાન - રુદ્ર પૂજારી અને ફેઝાન બેલીમ સહિત 6 શખ્સો સકંજામાં

ભાવનગરના નવાપરા વિસ્તારમાં વહેલી સવારે થયેલા સનસનાટીભર્યા ફાયરિંગ કેસમાં નિલમબાગ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જાહિદ લોંડીયા નામના યુવક પર થયેલા હુમલાના કેસમાં પકડાયેલા 6 આરોપીઓને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નવાપરા ગ્રીન કોમ્પ્લેક્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અહીં પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવીને હુમલાની કડીઓ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓના નામ: ૧. ફારૂક હુસેનભાઈ મન્સૂરી, ૨. કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ૩. ચેતન દયાલભાઈ, ૪. અસ્વીન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, ૫. રુદ્ર દયાનંદ પૂજારી અને ૬. ફેઝાન ફિરોઝભાઈ બેલીમ.

ગઈકાલે વહેલી સવારે 4:30 વાગ્યે ગ્રીન કોમ્પ્લેક્સમાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી છૂટેલા આ શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા. આજે જ્યારે પોલીસ કાફલો આ આરોપીઓને લઈને નવાપરા પહોંચ્યો ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર કબજે કરી લીધી છે.

પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે, આ હથિયાર કોની પાસેથી મેળવ્યું? આરોપીઓનો ઈરાદો શું હતો? અને ફરાર હાલારી બંધુઓ ક્યાં છુપાયા છે? આ તમામ મુદ્દાઓની તપાસ માટે રિમાન્ડ જરૂરી છે. કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખીને 27 માર્ચ સુધીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન હથિયારના ગેરકાયદેસર કનેક્શન અને ફરાર આરોપીઓ વિશે મોટા ખુલાસા થવાની શક્યતા છે.