Loading Please Wait !!!
અમૂલ દૂધના ભાવ વધારા સામે નારી સુરક્ષા સમિતિનો વિરોધ

=> સરકારનું ડેરીઓ પર નિયંત્રણ નથી, ‘અચ્છે દિન’નું ટેટૂ છેતરામણું સાબિત થયું


સિટી ન્યૂઝ@રાજકોટ 

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ સક્રિય અમૂલ ડેરીએ આજે પોતાના વિવિધ દૂધની બ્રાન્ડમાં લીટરે ૨ થી ૪ રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેતા ગૃહિણીઓમાં ભારે રોષ ફેલાયો છે. અમૂલના આ નિર્ણય સામે જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) અને લોક સંસદ વિચાર મંચના મહિલા અગ્રણીઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે અને તેને ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે ‘ડાઝ્યા પર ડામ’ સમાન ગણાવ્યો છે.

નારી સુરક્ષા સમિતિના હેમાબેન કક્કડ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, રજનીબેન આસવાણી, પદ્માબા ચૌહાણ, પારુલબેન સિદ્ધપુરા, ભાવનાબેન જોગીયા, સરલાબેન પાટડીયા, કૈલાશબેન વાઘેલા, પ્રફુલ્લાબેન ચૌહાણ અને જશુબા વાકે સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, અમૂલે ટી સ્પેશિયલમાં ૩ રૂપિયા અને ભેંસના દૂધમાં લીટરે ૪ રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે રસોડામાંથી આ મોંઘવારીનો બોમ્બ ફૂટતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે. મહિલા અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, દૂધના ભાવમાં સમયાંતરે થતા આ વધારા પર સરકારનું કોઈ જ નિયંત્રણ નથી. ‘અચ્છે દિન’ ના સપનાઓ ચકનાચૂર થઈ ગયા છે અને તે માત્ર એક છેતરામણું ટેટૂ સાબિત થયું છે. આવશ્યક ચીજવસ્તુઓના સતત વધતા ભાવોને કારણે મધ્યમ વર્ગના પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.


અમૂલ બિનજરૂરી જાહેરાતો બંધ કરે: મહિલા અગ્રણીઓ

નારી સુરક્ષા સમિતિના આગેવાનોએ અમૂલ ડેરીના વહીવટ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો અમૂલ ડેરી પોતાના તમામ પ્લાન્ટોમાં સોલાર રૂફટોપ અપનાવે, કરોડો રૂપિયાની બિનજરૂરી જાહેરાતો બંધ કરે અને કરકસરયુક્ત વહીવટ કરે તો આ ભાવ વધારો ટાળી શકાય. જો તેઓ કરકસર કરે તો તેનો સીધો લાભ પશુપાલકો, કર્મચારીઓ અને છેવાડાના ગ્રાહકોને આપી શકાય તેમ છે. આગામી સમયમાં દૂધ અને પેટ્રોલના ભાવ સરખા થઈ જાય તો નવાઈ પામવા જેવું નથી.