પશ્ચિમ બંગાળના હલીસહર ગામમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર હુમલો!
-
પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી દિવંગત કાર્યકર્તાના પરિવારને મળવા પહોંચ્યા હતા.
-
બિરજૂની પત્ની અને કોર્પોરેટર જેની શર્માએ પોલીસ કસ્ટડીમાં મોતનો આરોપ મૂક્યો.
-
અસામાજિક તત્વોએ પોલીસની હાજરીમાં કાર પર મોટા પથ્થરો વરસાવ્યા.
સિટી ન્યુઝ @ કોલકાતા
કોલકાતા, પશ્ચિમ બંગાળના ઉત્તર પરગના જિલ્લાના હલીસહર ગામમાં ગઇકાલે રવિવારે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર એક ભીડે હુમલો કર્યો હતો, જેને લઇને ભારે અફડાતફડી મચી ગઇ હતી. મમતા બેનર્જી અહીં ટીએમસીના દિવંગત કાર્યકર્તા બિરજુ કેઓરના પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા દેખાવકારોએ તેમની ગાડીને ચારે તરફથી ઘેરી લીધી હતી અને પાણીની બોટલો, જુતા-ચપ્પલ તથા પથ્થરો ફેંકવા શરૂ કરી દીધા હતા.
આ સમગ્ર મામલો ટીએમસી કાર્યકર્તા બિરજુ કેસોટની શંકાસ્પદ પરિસ્થિતિ સાથે સંકળાયેલો છે. બિરજૂની પત્ની અને ટીએમસી કોર્પોરેટર જેની શર્માએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે શુક્રવારે હલીસહરમાં પોલીસ કસ્ટડી દરમિયાન બિરજુનું મોત થયું છે. આથી આક્રોશિત સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી અને ભારે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. સ્થિતિ વણસતી જોઈને પોલીસે તરત જ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને સુરક્ષિત રીતે તે વિસ્તારમાંથી બહાર કાઢ્યા હતા.
ઘટના બાદ મમતા બેનર્જીએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અસામાજિક તત્વોએ પોલીસની હાજરીમાં મારી કાર પર મોટા-મોટા પથ્થર વરસાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે હુમલો એટલો ખતરનાક હતો કે જો કારની બારીનો કાચ ખુલ્લો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે પોલીસ નિષ્પક્ષ રહેવાને બદલે અન્ય પક્ષોને સંરક્ષણ આપી રહી છે.
બીજી બાજુ, આ હુમલાની ઘટના બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે અને ભાજપ સહિતના વિપક્ષી પક્ષોએ પણ આ પ્રકારની હિંસાની સખત નિંદા કરી છે. વહીવટી તંત્ર દ્વારા હાલ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ ઘટનાએ રાજ્યમાં રાજકીય અશાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે, અને પોલીસ તંત્ર દ્વારા મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.