Loading Please Wait !!!
હાઈવે પર મુસાફરી દરમિયાન ઈલેક્ટ્રિક વાહનોની બેટરી ઉતરી જશે તો મળશે ત્વરિત મદદ

 

  • રાત્રે કે ખરાબ હવામાનમાં મુશ્કેલીમાં મુકાયેલા વાહનચાલકો માટે રાહતના સમાચાર

  • મંત્રાલય અને સંબંધિત વિભાગો દ્વારા આ યોજના પર ગંભીરતાથી વિચારણા જારી

  • હાઈવે પર ઈલેક્ટ્રિક ગાડીઓની વધતી સંખ્યાને જોતાં અગમચેતીરૂપે લેવાયું મહત્ત્વનું પગલું

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

હાઈવે પર સફર કરતી વખતે જો આપની ઈલેક્ટ્રિક ગાડી (EV)નું ચાર્જીંગ અચાનક ખતમ થઈ જાય, અને તે પણ રાતના સમયે કે ખરાબ હવામાન દરમિયાન, તો સ્થિતિ કેટલી મુશ્કેલ બની જાય તેની કલ્પના કરવી જ રહી. આ પ્રકારની સમસ્યાઓમાં ફસાયેલા વાહનચાલકોની મદદ કરવા માટે હવે કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક અત્યંત ઉપયોગી યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત જો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના કોઈ હાઈવે પર કે ટોલ પ્લાઝા પર ઈવીનું ચાર્જીંગ પૂરું થઈ જાય, તો મદદ માંગવા પર તરત જ ચાર્જીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ સુવિધા પૂરી પાડવા માટે ઈવી બેટરી ચાર્જ કરવા માટે સીધા ઘટનાસ્થળે જ મોબાઈલ ચાર્જીંગ યુનિટ મોકલવામાં આવશે. મંત્રાલય અને સંબંધિત વિભાગો આ બાબતે અત્યંત ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે. આ યોજના પાછળનો મુખ્ય તર્ક એ છે કે દેશમાં જે ઝડપથી ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા રસ્તાઓ પર વધી રહી છે, તેને જોતા આગામી સમયમાં ચાર્જીંગ ખૂટી પડવાની આ પ્રકારની સમસ્યાઓ સામે આવવી સ્વાભાવિક છે. સરકારની આ પહેલથી હાઈવે પર મુસાફરી કરતા લાખો ઈવી ધારકોને મોટી રાહત મળશે.

વાહન વ્યવહાર અને મુસાફર સુરક્ષા

દેશમાં ગ્રીન મોબિલિટી અને ઈલેક્ટ્રિક વાહનોના પ્રસારની સાથેસાથે હાઈવે પર ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇમરજન્સી સહાયતા પ્રણાલીને મજબૂત બનાવવી એ આધુનિક પરિવહન વ્યવસ્થા માટે અનિવાર્ય આવશ્યકતા છે.

રસ્તામાં ઈવીને મળશે ઈમરજન્સી ચાર્જ
આવા મામલામાં વાહનચાલક જો એનએચએઆઈ પાસે મદદ માંગે છે તો ઘટના સ્થળે જ મોબાઈલ ચાર્જીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી વાહનને આસપાસના ચાર્જીંગ સ્ટેશન સુધી પહોંચાડી શકાય.

ચાર્જીંગ સુવિધાનો ચાર્જ પણ લાગશે
રસ્તા પર ઈપી બેટરી ખતમ થાય છે ત્યારે પરીસ્થિતિ નિવારવા માટે મોબાઈલ ચાર્જીંગ ગાડી તૈયાર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જુદા-જુદા વાહનો માટે જરૂરિયાત મુજબ ચાર્જીંગ ગાડીઓ તૈયાર કરવામાં આવશે જે ઘટનાસ્થળે પહોંચીને બેટરી ચાર્જ કરશે. આ સુવિધા લેનારાઓએ તેનો ચાર્જ ચૂકવવો પડશે.