Loading Please Wait !!!
મેગા અલનીનોની અસરથી હવામાનમાં તોફાની ફેરફારની ચેતવણી!

  • સમુદ્રી-વન્ય સૃષ્ટિ અને સીફુડ પર ગંભીર સંકટ!
  • હિન્દકુશ-હિમાલય ક્ષેત્રમાં વધુ વરસાદ-હિમવર્ષાની આશંકા!
  • ભારત સહિત 4 દેશોમાં ભૂસ્ખલન-હિમસ્ખલનનો ખતરો!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

સુપર અલનીનોના પ્રભાવ વચ્ચે પેસિફિક ક્ષેત્રનું સમુદ્રી તાપમાન વધતાં હવામાન નિષ્ણાંતોએ મેગા અલનીનોની ચેતવણી આપી છે, જેના કારણે દુનિયાભરમાં તોફાની હવામાન ફેરફાર, 2027 માં વધુ ગરમીની આગાહી તેમજ સમુદ્રી જીવો અને સીફુડ પર સંકટ ઊભું થવાની શક્યતા છે.

બ્રિટનમાં તોફાની શિયાળા અને અમેરિકાના પશ્ચિમી દરિયાઈ ક્ષેત્રમાં બદલાતી સ્થિતિ વચ્ચે પેસિફિકના તાપમાન વધારાથી ભારે વરસાદ, પૂર અને વિનાશક પવન ફૂંકાવાની ચેતવણી અપાઈ છે, જ્યારે સી-બર્ડ, પેંગ્વીન અને મોટા દરિયાઈ જીવો માટે ભોજન તથા પ્રજનન પર અસર પડવાથી સીફુડની તંગી સર્જાઈ શકે છે.

દક્ષિણ અમેરિકાની મધ્ય પેસિફિક સુધી સપાટીથી 200 મીટર ઊંડાઈ સુધી તાપમાન વધ્યાના અહેવાલ વચ્ચે નાના સમુદ્રી જીવોના મૃત્યુ અને હવામાનના નવા યુગમાં પ્રવેશ અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે.

બીજી તરફ મજબૂત અલનીનોના પ્રભાવથી હિન્દકુશ-હિમાલય ક્ષેત્રમાં સામાન્યથી વધુ વરસાદ અને હિમવર્ષા થવાની આશંકા છે, જેમાં ભારત, નેપાળ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક ભાગોમાં ભૂસ્ખલન તથા હિમસ્ખલનનો ખતરો રહેલો છે.

હિમાલયના તળેટી ક્ષેત્રમાં ભારે વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં વધુ હિમવર્ષાની સંભાવના વચ્ચે 25 થી 27 નવેમ્બરે કાઠમંડુમાં ખાસ સંમેલન મળનાર છે, જ્યારે ભુટાન અને તિબેટમાં ઓછી હિમવર્ષાથી પાણી, સિંચાઈ અને વીજળીની સમસ્યા સર્જાઈ શકે છે.

મેગા અલનીનો, સમુદ્રી સંતુલન અને હિમાલયન અસર

સમુદ્રી તાપમાનમાં ફેરફાર દરિયાઈ જીવસૃષ્ટિ, મત્સ્ય સંસાધન અને પ્રાદેશિક હવામાન પ્રણાલીને સીધી અસર કરે છે. હિમાલયન ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની અસમાન સ્થિતિ જળ વ્યવસ્થાપન અને આપત્તિ તૈયારીઓ માટે મહત્વપૂર્ણ બને છે.