Loading Please Wait !!!
સોનામાં પાવડરની ભેળસેળ કરનારાઓનું લાયસન્સ રદ થશે!

  • BIS ની બેઠકમાં કડક કાર્યવાહી કરવાનો નિર્ણય!
  • રેનિયમ, ઇરિડિયમ અને થેનિયમ પાવડર ભેળવવા સામે ચેતવણી!
  • લગ્નની સિઝનમાં ભેળસેળ અને હોલમાર્ક મુદ્દે ચિંતા!

    સિટી ન્યુઝ @ મુંબઈ

    સોનામાં રેનિયમ, ઇરિડિયમ અને થેનિયમ જેવી ધાતુઓનો પાવડર ભેળવીને થતી છેતરપિંડી તથા નકલી હોલમાર્કિંગના કિસ્સાઓ બાદ લગ્નની સિઝનમાં ખરીદદારોમાં વધેલી ચિંતા વચ્ચે ભારતીય માનક બ્યુરો (BIS) એ સોમવારે ઇન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર્સની બેઠકમાં કડક કાર્યવાહી અને લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.

    BIS એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની ભેળસેળ અને ચીજો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે, જો કોઈ પકડાશે તો તેનું લાયસન્સ રદ કરાશે અને ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા કડક પગલાં લેવાશે, જ્યારે IBJA અને GJC જેવા ઉદ્યોગ સંગઠનોએ અગાઉ તપાસ અને કડક નિયમોની માંગ કરી હતી.

    IGM ના પ્રિન્સિપલ કોઓર્ડિનેટર મહમૂદ વૈદે જણાવ્યું હતું કે રેનિયમ, ઇરિડિયમ અને થેનિયમ જેવી ધાતુના પાવડરનું ગલનબિંદુ ઘણું ઊંચું હોવાથી સોનું ઓગાળતી વખતે તે પકડમાં આવતું નથી.

    તેમણે ઉમેર્યું હતું કે એક કિલો સોનાની 9 એમએમ જાડાઈમાંથી સામાન્ય ટેસ્ટિંગ મશીન માત્ર 20 માઇક્રોન સુધી જ તપાસ કરી શકે છે અને તેની નીચેના સ્તરની ભેળસેળની ખબર પડતી નથી, જોકે નવી ટેકનોલોજી દ્વારા આવી ભેળસેળ પકડાઈ જાય છે.

    હોલમાર્ક વિશ્વસનીયતા, ધાતુ પરીક્ષણ અને નિયમન

    સોનાની શુદ્ધતા અને હોલમાર્કિંગ પર ગ્રાહકોનો વિશ્વાસ જાળવવા અત્યાધુનિક પરીક્ષણ ટેકનોલોજી અને કડક નિયમન અત્યંત મહત્વપૂર્ણ બને છે. ભેળસેળની નવી પદ્ધતિઓ સામે સતત તકેદારી અને તાત્કાલિક કાર્યવાહી બજારની પારદર્શિતા માટે નિર્ણાયક રહે છે.