Loading Please Wait !!!
વાઘોડિયા ચોકડી પાસે કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગથી હાઇવે પર અફરાતફરી

 

  • ધુમાડાના ગોટેગોટા 1 કિમી સુધી દેખાયા; વાહનચાલકોમાં ગભરાટ, ફાયર ફાઇટરોને આગ ઠારતા નાકે દમ આવ્યો

  •  આસપાસના રહીશોમાં ફફડાટ; વારંવાર બનતી ઘટનાઓ છતાં ફાયર સેફ્ટીના નિયમોના ઉલાળિયા કેમ?

  •  પાણીગેટ અને ઇઆરસીની ટીમો મેદાનમાં; કેમિકલ વેસ્ટ હોવાથી આગ કાબૂમાં લેવી બની મુશ્કેલ, મોટી જાનહાનિ ટળી

    વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં હાઇવે પર આજે રાત્રે એક કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે ગભરાટ ફેલાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અંદાજે ૧ કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

    કેમિકલ વેસ્ટના કારણે આગ વકરી પ્રાપ્ત વિગતો મુજબ, વાઘોડિયા ચોકડી પાસે આવેલા આ ગોડાઉનમાં કેમિકલ વેસ્ટનો મોટો જથ્થો સંગ્રહિત હતો. કેમિકલ હોવાને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પાણીગેટ ફાયર સ્ટેશન અને ઇઆરસીની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કેમિકલના કારણે પાણીનો છંટકાવ કરવા છતાં આગ કાબૂમાં લેતા ફાયર ફાઇટરોને નાકે દમ આવી ગયો હતો. અંદાજે ૨ કલાકની ભારે જહેમત બાદ આગનું જોર ઘટ્યું હતું.

    ફાયર સેફ્ટી સામે સવાલ આ વિસ્તારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં, અહીં પૂરતી ફાયર સેફ્ટીની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.