Loading Please Wait !!!
જૂનાગઢ GIDC-2 માં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ: 52,000 લિટર પાણીના મારા બાદ જ્વાળાઓ શાંત થઈ!

  • શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી – ઉદ્યોગકારોએ GIDC માં અલાયદા ફાયર સ્ટેશનની કરી ઉગ્ર માંગ
  • ઇલ્યાઝભાઈના કારખાનામાં લાખોનો માલ સામાન બળીને રાખ – ફાયર ઓફિસર જીગર ગઢવીની ટીમની સમયસૂચકતા
  • "વર્ષોની મહેનત પળમાં રાખ થઈ જાય છે" – ઉદ્યોગકાર રહીમ બરડાઈએ ઠાલવી વ્યથા, સુરક્ષા સામે સવાલ

જૂનાગઢ શહેરના GIDC-2 વિસ્તારમાં આજે વહેલી સવારે એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇલ્યાઝભાઈના માલિકીના આ પ્લાસ્ટિકના એકમમાં અચાનક લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી કામગીરી શરૂ કરતા એક મોટી હોનારત ટળી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ જૂનાગઢ કોર્પોરેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીના માર્ગદર્શન હેઠળ 15 જેટલા ફાયર જવાનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 3 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા અંદાજે 52,000 લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારખાનામાં રહેલો પ્લાસ્ટિકનો જથ્થો અને મોંઘી મશીનરી બળીને ખાખ થઈ ગયા છે.

આ ઘટનાના સાક્ષી અને પાડોશી કારખાના ‘ગુરુ ઓટો પ્રાઈવેટ લિમિટેડ’ના માલિક રહીમ બદરૂદ્દીનભાઈ બરડાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આગ એટલી ભયાનક હતી કે જો થોડું પણ મોડું થયું હોત તો આજુબાજુના અન્ય કારખાનાઓ પણ તેની લપેટમાં આવી ગયા હોત. તેમણે ઉમેર્યું કે એક ઉદ્યોગકાર વર્ષોની મહેનત અને બેંક લોન લઈને પોતાનું એકમ ઊભું કરે છે, પરંતુ આગ જેવી એક ઘટના તેને આર્થિક રીતે પાયમાલ કરી દે છે. કારખાનાઓમાં રાત્રિના સમયે શ્રમિકો સૂતા હોય છે, જેમના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.

આ ઘટનાને પગલે GIDC ના ઉદ્યોગકારોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગકારોની લાંબા સમયની માંગ છે કે, GIDC વિસ્તારમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અહીં સ્થાનિક સ્તરે જ એક ફાયર સ્ટેશન હોવું અત્યંત અનિવાર્ય છે. હાલમાં ફાયર બ્રિગેડને છેક ગિનાર દરવાજા પાસેથી ટ્રાફિક વચ્ચે આવવું પડે છે, જેમાં કિંમતી સમયનો વેડફાટ થાય છે. જો GIDC માં જ અલાયદું ફાયર સ્ટેશન હોય તો આગની ઘટનામાં ત્વરિત પ્રતિસાદ આપી મોટા આર્થિક નુકસાનને રોકી શકાય છે.

ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીએ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાની આસપાસ કોલ મળતા જ ટીમ રવાના થઈ ગઈ હતી અને સફળતાપૂર્વક આગને કાબૂમાં લીધી છે. જોકે, ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ફાયર સેફ્ટીના સાધનો અને કાયમી ફાયર સ્ટેશનની માગ ફરી એકવાર પ્રબળ બની છે. ઉદ્યોગકારોએ સરકારને વિનંતી કરી છે કે તેઓ પૂરેપૂરો ટેક્સ ભરે છે, ત્યારે તેમની અને શ્રમિકોની સુરક્ષા માટે આ સુવિધા વહેલી તકે પૂરી પાડવામાં આવે.