Loading Please Wait !!!
વડોદરામાં અક્ષરચોક બ્રિજ પર હાઈડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં ભીષણ આગ

 

  • અક્ષરચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા બ્રિજ પર સર્જાયો બનાવ

  • સમયસૂચકતા વાપરી ડ્રાઈવર અને સાથીદાર નીચે ઉતરી જતાં જાનહાનિ ટળી

  • ઓવર હીટિંગ અથવા વાયરિંગમાં ખામીના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે અક્ષરચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા ઓવરબ્રિજ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર સફાઈ કામગીરી કરી રહેલા એક હાઈડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર મશીન આગની લપેટમાં આવી ગયું હતું. મશીનમાં મોટા જથ્થામાં હાઈડ્રોલિક ઓઈલ રહેલું હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. જોકે, મશીનમાં ધુમાડો નીકળતાં જ ડ્રાઈવર અને તેમની સાથે રહેલી અન્ય વ્યક્તિએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક વાહનમાંથી નીચે કૂદી જતાં બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો.

બનાવની જાણ થતાં જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની GIDC ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગના કારણે બ્રિજ પર વાહનચાલકોની સુરક્ષાને ધ્યાને રાખી થોડા સમય માટે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.

ઘટનાની માહિતી મળતાં જ સ્વીપર મશીનનો કોન્ટ્રાક્ટ ધરાવતી ખાનગી એજન્સીના સુપરવાઈઝર અને અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સુપરવાઈઝર રિન્કુ શર્માના જણાવ્યા અનુસાર આ ખાનગી એજન્સીનું મશીન હતું અને કામગીરી શરૂ કર્યાના અડધો કલાકમાં જ આ દુર્ઘટના ઘટી હતી. આ મશીનમાં 2 એન્જિન કાર્યરત હોય છે અને હાઈડ્રોલિક ઓઈલ ભરેલું હોય છે.

પ્રાથમિક તારણ મુજબ ઓવર હીટિંગ અથવા ઇન્ટરનલ વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે અને ફાયર વિભાગે સમગ્ર મામલે જરૂરી પંચનામું કરી આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

સ્વીપર મશીનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

વડોદરાના અક્ષરચોકથી અટલાદરા જતા બ્રિજ પર રોડ સ્વીપર મશીનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. હાઈડ્રોલિક ઓઈલના કારણે વાહન બળીને ખાખ થઈ ગયું હતું. ચાલક સહિત 2 લોકો સમયસર બહાર નીકળી જતાં બચી ગયા હતા. GIDC ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો અને થોડો સમય બ્રિજ બંધ રખાયો હતો.