કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, આખી ઈમારત ધરાશાયી
- ફેક્ટરીમાં કામ કરતા 5 થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- ઈમારતનો ભુક્કો બોલી ગયો, 2 ગંભીર શ્રમિકો અમદાવાદ ખસેડાયા
- પોલીસ અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી
સિટી ન્યુઝ @ કપડવંજ
ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની એક ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જમીન પણ ધ્રૂજી ઉઠી હતી. બ્લાસ્ટની તીવ્રતાના કારણે જે મકાનમાં ફેક્ટરી ચાલતી હતી તે આખું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈને ભુક્કો બોલી ગયું હતું. આ પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ધડાકાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાટમાળ ખસેડીને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી. કપડવંજના પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 5 થી 6 શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ તમામ શ્રમિકોને ઈજાઓ પહોંચી છે, જેમાંથી 2 શ્રમિકોની હાલત અત્યંત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વહીવટી તંત્રની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ કારખાનામાં ફટાકડા માટેની દિવેટો એટલે કે વાટ બનાવવાનું જોખમી કામ ચાલી રહ્યું હતું. આ ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી અને માલિક પાસે આવી જોખમી વસ્તુઓ બનાવવા માટે સત્તાવાર લાયસન્સ કે મંજૂરી હતી કે નહીં તે બાબતે હાલ તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
ઔદ્યોગિક સુરક્ષા અને લાયસન્સ પ્રક્રિયા પર ઉઠતા સવાલો
રહેણાંક કે ખુલ્લા વિસ્તારોમાં ચાલતા આવા જોખમી કારખાનાઓ ઔદ્યોગિક સુરક્ષાના નિયમોનું કેટલું પાલન કરે છે તે એક મોટો પ્રશ્ન છે. ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ માસૂમ શ્રમિકોના જીવ જોખમમાં મૂકે છે. તંત્ર દ્વારા સમયાંતરે આવા એકમોનું સઘન ચેકિંગ થવું ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી જીવલેણ દુર્ઘટનાઓને નિવારી શકાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.