Loading Please Wait !!!
વડોદરામાં માનવતા શર્મસાર: બહેનપણીના નરાધમ ભાઈએ 13 વર્ષની સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ!

  • કોલેજિયન યુવકની કરતૂતથી વડોદરામાં ચકચાર - પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ નરાધમની કરી ધરપકડ
  • ઈદ પહેલા આચરાયું હતું પાપ, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખેલાયો ખેલ - આરોપી જેલભેગો
  • બહેનપણીના ઘરે જવું ભારે પડ્યું - નજર રાખતા પાડોશી યુવકે માસૂમની જિંદગી રોળી નાખી

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત શર્મનાક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતી અને પોતાની બહેનપણીના ઘરે રમવા જતી એક 13 વર્ષની માસૂમ સગીરા પર તેની જ બહેનપણીના સગા ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ નરાધમે માત્ર દુષ્કર્મ જ નહોતું આચર્યું, પરંતુ સગીરાનો અશ્લીલ વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

વીડિયોએ ખોલી નરાધમની પોલ મળતી માહિતી મુજબ, આ ઘટના ઈદના તહેવાર પહેલા બની હતી જ્યારે સગીરા પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. કોલેજમાં અભ્યાસ કરતા આરોપીએ સગીરાની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે અશ્લીલ કૃત્ય આચર્યું હતું. આ પાપ છુપાયેલું રહેત, પરંતુ આરોપીએ પોતાની વિકૃતિ બતાવવા માટે આ વીડિયો તેના એક મિત્રને બતાવ્યો હતો. સદનસીબે, પેલો મિત્ર ભોગ બનનાર સગીરાના ભાઈને ઓળખતો હતો. તેણે તુરંત જ સગીરાના ભાઈને જાણ કરી કે તેના મિત્રના મોબાઈલમાં તેની બહેનનો અશ્લીલ વીડિયો છે.

પોલીસ સ્ટેશને લોકોના ટોળા ઉમટ્યા જ્યારે આ વાતની જાણ સગીરાના પરિવારને થઈ, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ રડતા-રડતા પોતાની સાથે બનેલી આપવીતી પરિવારને જણાવી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશો અને મોટી સંખ્યામાં લોકો રોષે ભરાયા હતા અને ન્યાયની માંગ સાથે માંજલપુર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. લોકોના આક્રોશને જોઈને પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પોક્સો હેઠળ ગુનો દાખલ માંજલપુર પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તુરંત જ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે અને તેની વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ કડક કલમો લગાવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉથી જ સગીરા પર નજર રાખતો હતો. હાલમાં પોલીસ આરોપીના મોબાઈલ ફોનને કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવાની તજવીજ કરી રહી છે જેથી કોઈ અન્ય વીડિયો કે પુરાવા મળી શકે.

આ ઘટનાએ ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અને પાડોશમાં રહેતા લોકોની માનસિકતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. માંજલપુર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.