Loading Please Wait !!!
પરિચિતે જ કર્યો વિશ્વાસઘાત: સંખેડાના વસીમખાનની ₹10 લાખની આર્ટિગા કાર બારોબાર વેચી મારી

 

  • ભાડાની આવકની લાલચ આપી મિત્રએ કાર હડપી લીધી, કપુરાઈ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ

  •  માસિક ₹36,000 ભાડાનું વચન આપી રસુલશા દિવાને ગાડી ₹7.50 લાખમાં વેચી નાખી

  • કપુરાઈ પોલીસે રસુલશા દિવાન અને હિમાંશુ અગ્રવાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

    છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે રહેતા અને ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વસીમખાન પઠાણ સાથે તેમના જ એક પરિચિતે વિશ્વાસઘાત કરી આર્ટિગા કાર વેચી માર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વસીમખાને વડોદરાના કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    ઘટનાની વિગતો મુજબ, વસીમખાન પઠાણે વર્ષ 2024માં બેંક લોન પર આર્ટિગા કાર ખરીદી હતી, જેનો માસિક હપ્તો ₹18,700 હતો. ભાડાની આવક ઓછી થવાને કારણે તેમને હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ દરમિયાન વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા તેમના પરિચિત રસુલશા નાજરશા દિવાને ગાડી માસિક ₹36,000 ના ભાડે લેવાની તૈયારી બતાવી હતી. વસીમખાને વિશ્વાસ મૂકીને ગાડીની સાથે ઓરિજનલ દસ્તાવેજો પણ રસુલશાને સોંપ્યા હતા.

    શરૂઆતના બે મહિના ભાડું આપ્યા બાદ રસુલશાએ રકમ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. વારંવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા ન મળતા અને બેંકના હપ્તા ચડી જતા વસીમખાને પોતાની ગાડી પરત માંગી હતી. ત્યારે રસુલશાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેણે આ ગાડી બોડેલીના હિમાંશુ ઉર્ફે સની અગ્રવાલને ₹7.50 લાખમાં વેચી દીધી છે. પોતાની માલિકીની ગાડી પોતાની જાણ બહાર વેચાઈ જતા વસીમખાને આખરે પોલીસનો આશરો લીધો હતો. કપુરાઈ પોલીસે રસુલશા દિવાન અને હિમાંશુ અગ્રવાલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.