હિન્દુ ડોક્ટર યુવતી સાથે લગ્નનું બનાવટી સર્ટિફિકેટ રજૂ કરનાર ફેઝલની ધરપકડ
-
કુબેર ભવન સબ રજિસ્ટ્રાર કચેરીની તપાસમાં લગ્ન નોંધણી ન હોવાનું ખુલ્યું
-
જંબુસર પોલીસે આરોપી ફેઝલ મજીદ દિવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી
-
BHMS ડોક્ટર યુવતી ઘરેથી સોનાનો 6 તોલાનો હાર લઈને નીકળી ગઈ હતી
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરાના કરજણ તાલુકાના કિયા ગામના ફેઝલ મજીદ દિવાન નામના યુવક દ્વારા ભરૂચના જંબુસરની BHMS હિન્દુ ડોક્ટર યુવતી સાથે લગ્નનું બોગસ સર્ટિફિકેટ રજૂ કરવાનો મામલો સામે આવ્યો છે. યુવતી વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી અને 7 May ના રોજ ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનોએ ગોત્રી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન યુવકના સંબંધીઓએ જંબુસર પોલીસમાં બંનેના કોર્ટ મેરેજનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
પરિવારજનો દ્વારા આ લગ્ન સર્ટિફિકેટની ખરાઈ કરવા વડોદરાના કુબેર ભવન સ્થિત સબ રજિસ્ટ્રાર અને લગ્ન નોંધણી કચેરીમાં તપાસ કરવામાં આવી હતી. કચેરી દ્વારા 30 June ના રોજ લેખિતમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સરકારી રેકોર્ડમાં 16 June સુધી આવા કોઈ લગ્નની નોંધણી થઈ નથી અને કચેરી તરફથી આવું કોઈ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. સર્ટિફિકેટ બનાવટી હોવાનું સાબિત થતાં જંબુસર પોલીસે ગુનો નોંધી આરોપી ફેઝલની ધરપકડ કરી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે યુવતી ઘરેથી નીકળતી વખતે 6 તોલાનો સોનાનો હાર પણ સાથે લઈ ગઈ હતી. વકીલ ચેતન દેસાઈના જણાવ્યા અનુસાર, આ બોગસ સર્ટિફિકેટ તૈયાર કરવામાં કોણે મદદગારી કરી, કોણે સાક્ષી તરીકે સહીઓ કરી અને સરકારી બનાવટી સિક્કા ક્યાંથી બનાવાયા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પીડિતાની માતાએ આક્ષેપ કર્યો છે કે તેમની પુત્રીનું બ્રેનવોશ કરીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી છે અને છેલ્લા 4 મહિનાથી તેમની સાથે કોઈ સંપર્ક કરવા દેવામાં આવ્યો નથી. પુત્રીને મુક્ત કરાવી પરત લાવવાની માંગ સાથે પિતાએ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરાવવા માટે વડાપ્રધાનને પત્ર લખીને વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાની રજૂઆત કરી છે.
આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિષ્ણુ પ્રજાપતિએ પણ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજૂ થતા શંકાસ્પદ પ્રમાણપત્રોની સત્યતા ચકાસવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ SIT ની રચના કરવાની માંગણી દોહરાવી છે.
ડોક્ટર યુવતીના નકલી લગ્ન સર્ટિફિકેટ કેસમાં ધરપકડ
વડોદરામાં હિન્દુ ડોક્ટર યુવતી સાથે લગ્નનું બનાવટી સર્ટિફિકેટ રજૂ કરનાર ફેઝલ દિવાનની જંબુસર પોલીસે ધરપકડ કરી છે. કુબેર ભવનની કચેરીમાં તપાસ કરતા લગ્નની કોઈ સત્તાવાર નોંધ મળી નહોતી. પરિવારે પુત્રીનું બ્રેનવોશ કરાયાનો આરોપ લગાવી કેસની તપાસ માટે વડાપ્રધાનને પત્ર લખી SIT રચવાની માંગ કરી છે.