Loading Please Wait !!!
હવે ગુજરાતથી આફ્રિકન દેશમાં થશે ઇવીની નિકાસ: મોટી સફળતા

  • વડોદરાની મરક્યુરી ઇવી ટેક કંપની સાથે મલાવી સરકારના એમઓયુની પ્રક્રિયા અંતિમ ચરણમાં
  • મલાવીના હાઇ કમિશનર લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ પોર ખાતેના વાહન પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ
  • મોંઘા ઈંધણની આયાત ઘટાડવા મલાવી દેશે વડોદરાની કંપનીને સીધા રોકાણ માટે આપ્યું આમંત્રણ

સિટી ન્યુઝ @ વડોદરા

ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ ની પ્રખ્યાત પહેલને વૈશ્વિક સ્તરે વધુ એક બહુ મોટી અને ઐતિહાસિક સફળતા સાંપડી છે. ગુજરાતના વડોદરા શહેરથી હવે આફ્રિકન ખંડના મહત્વના દેશ રિપબ્લિક ઓફ મલાવીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની મોટા પાયે નિકાસ કરવામાં આવશે. આ વૈશ્વિક ભાગીદારીના ભાગરૂપે મલાવીના હાઇ કમિશનર લિયોનાર્ડ સેન્ઝા મેગેંઝીએ ગત 29 મેના રોજ વડોદરાની વિશેષ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વડોદરા નજીક પોર ખાતે આવેલી અગ્રણી ઇવી કંપની ‘મરક્યુરી ઇવી ટેક’ ની વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને અત્યાધુનિક ટેકનોલોજીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

મરક્યુરી ઇવી ટેક કંપનીના ચેરમેન જયેશ ઠક્કરે આ વૈશ્વિક ઉપલબ્ધિ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મલાવી સરકાર સાથે ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરવા માટેની સત્તાવાર એમઓયુ (MOU) ની પ્રક્રિયા હાલ અંતિમ ચરણમાં ચાલી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનોનો પહેલો જથ્થો આફ્રિકા મોકલવામાં આવશે. પ્રાકૃતિક સુંદરતાના કારણે 'Warm Heart of Africa' તરીકે ઓળખાતા મલાવી દેશે પોતાના દેશને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ચીનના બદલે ભારત સાથે કામ કરવું વધુ યોગ્ય માન્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન મોબિલિટી’ ના વિઝનની મોટી જીત છે.

પ્લાન્ટની ઉચ્ચ ગુણવત્તાથી પ્રભાવિત થઈને હાઇ કમિશનરે જણાવ્યું હતું કે, મલાવી જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે હાલ મોંઘા ઈંધણની આયાત કરવી એ એક બહુ મોટો આર્થિક પડકાર છે, જેથી તેઓ આ ગ્રીન ટેકનોલોજીને અપનાવી રહ્યા છે. તેમણે વડોદરાની કંપનીને મલાવીમાં સીધું રોકાણ કરવા અને ત્યાં પોતાનો નવો પ્લાન્ટ શરૂ કરવા માટે સત્તાવાર આમંત્રણ પણ આપ્યું છે. આ પ્રોજેક્ટના આખરી નિર્ણય અને પ્રોડક્શન પ્લાન અંગે ચર્ચા કરવા માટે કંપનીના ચેરમેન 3 જૂને મલાવી જવા રવાના થઈ રહ્યા છે, જ્યાં 5 કે 6 જૂનના રોજ મલાવીના રાષ્ટ્રપતિ સાથે હાઈ-લેવલની સત્તાવાર બેઠક યોજાશે.

ભારતની ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજીથી મલાવીમાં ક્રાંતિ આવશે

મલાવીના હાઇ કમિશનરે ખાતરી આપી છે કે આ પ્રોજેક્ટથી તેમના દેશ પરથી ઇંધણનો આર્થિક બોજ ઘટશે અને વિદેશી હૂંડિયામણ બચાવવામાં મોટી મદદ મળશે.

ભારતમાં થઈ રહેલા આધુનિક ઇકો-ફ્રેન્ડલી બદલાવો અને સંશોધનોના કારણે જ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સતત આગળ વધી રહી છે.

ગુજરાતના ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે આ આંતરરાષ્ટ્રીય ઓર્ડર એક મોટો માઇલસ્ટોન સાબિત થશે.