નિર્લિપ્ત રાયની ટીમનો મોટો સપાટો: જામનગરનો ₹10,000નો ઇનામી લૂંટારો 5 વર્ષે MP સરહદેથી ઝડપાયો!
- 8.50 લાખની લૂંટ ચલાવી ફરાર થયેલા ભુવાનસિંગને રાજકોટ રેન્જ પોલીસે દબોચ્યો - 'ઓપરેશન નાસતા-ફરતા' ને મળી મોટી સફળતા
- પંચકોષી બી-ડિવિઝનના ગુનામાં પાંચ વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી પકડાયો - દાહોદ હાઈવે પર વોચ ગોઠવીને કરી ધરપકડ
- વાડીમાં ઘૂસી માર મારી ₹8.50 લાખની લૂંટ કરનાર ગેંગનો સાગરીત ઝડપાયો - ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી ઓપરેશન પાર પાડ્યું
જામનગર: રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન નાસતા-ફરતા' ને એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લામાં આશરે ₹8.50 લાખની સનસનીખેજ લૂંટ ચલાવી છેલ્લા પાંચ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા ₹10,000 ના ઇનામી આરોપીને રાજકોટ રેન્જની ટીમે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી દબોચી લીધો છે.
ઘટનાની વિગત મુજબ, વર્ષ 2021 માં જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં લૂંટનો એક ગંભીર ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી ભુવાનસિંગ રાયસિંગ વસુનિયાએ પોતાના સાગરીતો સાથે મળીને એક વાડીમાં સૂતેલા ફરિયાદી અને સાક્ષીઓને માર મારી રોકડ અને દાગીના મળી કુલ ₹8.50 લાખની મત્તા લૂંટી લીધી હતી. આ ગુનામાં ભુવાનસિંગ છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો અને જામનગર પોલીસ અધિક્ષક દ્વારા તેના પર ₹10,000 નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
રાજકોટ રેન્જ પી.આઈ. આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી અને બી.સી. મિયાત્રાની ટીમે આ વોન્ટેડ ગુનેગારને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો આશરો લીધો હતો. સ્ટાફના કાસમ બ્લોચ, સંદીપસિંહ ઝાલા અને મિતેશ પટેલને સચોટ બાતમી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશની સરહદ નજીક છુપાયેલો છે. આ માહિતીના આધારે ટીમે દાહોદ હાઈવે પર રાબડાલ બસ સ્ટેશન નજીક ફિલ્મી ઢબે વોચ ગોઠવીને ભુવાનસિંગને ઝડપી પાડ્યો હતો.
આ ઓપરેશનમાં એ.એસ.આઈ. સંદીપસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રશિક, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ અને ડ્રાઈવર દિનેશ ગઢવી સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી. આ સફળતાથી જામનગર પોલીસ બેડામાં પણ હાશકારો જોવા મળ્યો છે. ઝડપાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી નાસતા-ફરતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.