Loading Please Wait !!!
ભાવનગરમાં SOGની મોટી કાર્યવાહી: ઘૂસણખોર 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

  • પાસપોર્ટ-વિઝા વગર રહેતી મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ અને દસ્તાવેજો મળ્યા
  • ચિત્રા યાર્ડમાં સફાઈ કામના બહાને રહેતી હતી; મોબાઈલમાં મળ્યા +88 કન્ટ્રી કોડના નંબર
  • વોટ્સએપ દ્વારા સંપર્કમાં રહેતી પાંચેય મહિલાઓની SP કચેરીએ સઘન પૂછપરછ શરૂ

સિટી ન્યુઝ @ ભાવનગર : ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલાઓ કોઈપણ માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ અને વિવિધ વિદેશી દસ્તાવેજો જપ્ત કર્યા છે, જેના કારણે આ મામલે હવે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ને પણ તપાસમાં સાંકળવામાં આવશે.

ભાવનગર ગ્રામ્ય ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, SOGની ટીમ જ્યારે ચિત્રા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી, ત્યારે આ મહિલાઓની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ હતી. સ્થળ પર પૂછપરછ દરમિયાન તેમના મોબાઈલ ફોનમાંથી બાંગ્લાદેશના +88 કન્ટ્રી કોડ ધરાવતા નંબરો મળી આવ્યા હતા. મહિલાઓએ કબૂલાત કરી હતી કે તેઓ બાંગ્લાદેશી નાગરિક છે અને કોઈ કાયદેસરના દસ્તાવેજો વિના સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશી છે. હાલમાં તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ માટે SP કચેરીએ લઈ જવામાં આવી છે.

ઝડપાયેલી મહિલાઓમાં પાખી ખાનમ (22), રીમા અખ્તર ઉર્ફે લીલી (35), લાખી બેગમ (35), સુબરના બેગમ (39) અને લેબીના ખાનમ (33) નો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસ મુજબ, આ મહિલાઓ અગાઉ અમદાવાદમાં હતી અને ત્યાંથી થોડા સમય પહેલા જ ભાવનગર આવી હતી. તેઓ ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં સાફ-સફાઈનું કામ કરીને પોતાની ઓળખ છુપાવી રહી હતી. તેમના ડોક્યુમેન્ટ્સમાં બાંગ્લાદેશના ફરીદપુર જિલ્લાનું સરનામું મળી આવ્યું છે, જેના આધારે તેઓ કેટલા સમયથી અહીં છે તેની તપાસ થઈ રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાઓ વોટ્સએપના માધ્યમથી બાંગ્લાદેશમાં સતત સંપર્કમાં રહેતી હતી. તેમના ફોનનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે જેથી જાણી શકાય કે તેઓ અહીં કોના સંપર્કમાં હતી અને તેમને અહીં કોણે આશરો આપ્યો હતો. જોકે, નેશનલ સિક્યુરિટીને હાનિ પહોંચાડે તેવી કોઈ વાંધાજનક વસ્તુ અત્યાર સુધી મળી નથી, પરંતુ ઘૂસણખોરીના ગંભીર મુદ્દે કોઈ પણ કચાશ રાખવામાં આવશે નહીં. IBની સાથે સંકલન સાધીને તેમના નેટવર્કને તોડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

આ કેસમાં ભાવનગર પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે કે આ મહિલાઓને અમદાવાદથી ભાવનગર કોણ લાવ્યું અને યાર્ડમાં તેમને કામ પર રાખનાર કોણ છે. ગેરકાયદેસર ઘૂસણખોરો સામેની આ કાર્યવાહીથી શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરક્ષા એજન્સીઓ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શહેરમાં અન્ય કોઈ સ્થળોએ પણ આવી રીતે વિદેશી નાગરિકો છુપાઈને તો નથી રહી રહ્યા ને. આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.