જૂનાગઢ સ્કોલરશીપ કૌભાંડમાં મોટો ખુલાસો: 400 થી વધુ ઓરિજિનલ દસ્તાવેજો અને 115 VIP સિમકાર્ડ જપ્ત!
-
જૂનાગઢ પોલીસે આરોપીની ઓફિસેથી બેંક કિટ્સ અને 115 VIP સિમકાર્ડ કબ્જે કર્યા.
-
GCAS પોર્ટલ, સમાજ કલ્યાણ અને બેંક પાસેથી તમામ ખાતાઓની વિગતો મગાવાઈ.
-
21 વિદ્યાર્થીઓના નામે આવેલી શિષ્યવૃત્તિની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી હતી.
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ, જૂનાગઢમાં સામે આવેલા બહુચર્ચિત એસસી-એસટી સ્કોલરશીપ અને બોગસ ડિગ્રી કૌભાંડમાં પોલીસ દ્વારા મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા 4 દિવસના રિમાન્ડ પૂરા થતાં હાલ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન એસઓજી અને બી-ડિવિઝન પોલીસ દ્વારા આરોપીના મોબાઈલમાંથી ચેટ, કોલ ડિટેલ્સ અને જપ્ત દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી 'ગુજરાત એજ્યુકેશન' નામની સંસ્થા મારફતે વિદ્યાર્થીઓને કોલેજ ગયા વગર માત્ર પરીક્ષા આપી ડિગ્રી મેળવવાની લાલચ આપતો હતો. પોલીસે તેની ઓફિસેથી 400 થી વધુ વિદ્યાર્થીઓના ઓરિજિનલ દસ્તાવેજો, 150 થી વધુ ફીનો પેમેન્ટ બેંકની કિટ અને 115 VIP સિમકાર્ડ કબ્જે કર્યા છે. આરોપીને ફીનો પેમેન્ટ બેંકનું સેન્ટર ચલાવવા બદલ એકાઉન્ટ દીઠ ₹50 મળતા હોવાથી હવે બેંક એકાઉન્ટ્સની પણ ઝીણવટભરી તપાસ થશે.
હાલ પોલીસ દ્વારા GCAS પોર્ટલ, ફીનો બેંક અને સમાજ કલ્યાણ વિભાગ પાસેથી દર્શન મારફતે ભરાયેલા તમામ ફોર્મ્સ અને બેંક ટ્રાન્ઝેક્શન્સની વિગતો માંગવામાં આવી છે. કૌભાંડમાં ભોગ બનેલા 21 વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. ઉપરાંત, આરોપીએ પુરાવા નાશ કરવા વોટ્સએપ ગ્રુપ કે અન્ય ડેટા ડિલીટ કર્યા હોવાની આશંકાએ તેના મોબાઈલને ડેટા રિકવરી અર્થે સાયબર સેલ અને FSL માં મોકલવામાં આવ્યો છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી અંગે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે તે ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફ્રીશીપ કાર્ડ હેઠળ ફ્રી અભ્યાસની જાળમાં ફસાવતો હતો. વિદ્યાર્થીઓના મૂળ શૈક્ષણિક દસ્તાવેજો જપ્ત કરી, તેમના નામે બેંકમાં ખાતા ખોલાવી એટીએમ અને સિમકાર્ડ પોતે રાખી લેતો હતો અને સરકાર દ્વારા જમા થતી સ્કોલરશીપની રકમ બારોબાર ઉપાડી લેતો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ 2021 થી આ જાળ બિછાવી હતી અને ગામડે ગામડે કમિશન એજન્ટો રાખીને 250 થી વધુ વિદ્યાર્થીઓના શંકાસ્પદ દસ્તાવેજો મેળવ્યા હતા. પોલીસ ટૂંક સમયમાં વધુ ખુલાસા માટે કોર્ટ સમક્ષ પુનઃ રિમાન્ડની માંગણી કરશે.