Loading Please Wait !!!
એમ.એસ. યુનિવર્સિટીના ક્લાસરૂમમાં કપલનો રોમાન્સ

 

  • અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં બિનધાસ્ત રોમાન્સ

  • અગાઉ ઓક્ટોબર 2025માં પણ આવ્યો હતો વીડિયો

  • વિદ્યાર્થી નેતાઓએ સત્તાધીશો સામે ઉઠાવ્યા સવાલ

સિટી ન્યુઝ @ વડોદરા

મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના ક્લાસરૂમમાં કિસ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં બે અલગ-અલગ કપલ બિનધાસ્ત બનીને અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં રોમાન્સ કરતા નજરે પડ્યા છે. ક્લાસરૂમમાં જ્યારે આ કપલ રોમાન્સમાં મગ્ન હતા, ત્યારે પાછળ બેઠેલા કોઈ વિદ્યાર્થીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કરી લીધો હતો, જો કે આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરવામાં આવતી નથી.

આ ઘટના સામે આવ્યા બાદ વિદ્યાના ધામ ગણાતી એમ.એસ. યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ફરી એકવાર ખરડાઈ છે. વિદ્યાર્થીઓ આસપાસના લોકોની પરવા કર્યા વગર રોમાન્સમાં મગ્ન જોવા મળ્યા હતા, જેના કારણે શૈક્ષણિક સંકુલમાં શિસ્ત અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે યુનિવર્સિટીના સત્તાધીશો હરકતમાં આવ્યા છે અને કડક પગલાં રૂપે શિસ્ત સમિતિની રચના કરી દેવામાં આવી છે.

કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે અને આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશો આ બાબતે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે. યુનિવર્સિટી પરિસરમાં આવા બનાવો રોકવા માટે અગાઉ પણ કડક પગલાં લેવા અંગે માંગ ઉઠી હતી અને હવે જવાબદારો સામે સખત કાર્યવાહી થવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ઓક્ટોબર 2025માં પણ આર્ટ્સ ફેકલ્ટીનો જ ચાલુ પરીક્ષા દરમિયાનનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક વિદ્યાર્થી વિદ્યાર્થિનીને કિસ કરતો નજરે પડ્યો હતો. વારંવાર આવી રહેલા આવા અહેવાલોને કારણે યુનિવર્સિટીનું શૈક્ષણિક વાતાવરણ અને શિસ્ત ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.

યુનિવર્સિટી તંત્ર દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને વીડિયો બનાવનાર તેમજ તેમાં દેખાતા વિદ્યાર્થીઓની ઓળખ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓની આવી હરકતો સામે વાલીઓ અને શૈક્ષણિક વર્તુળોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શૈક્ષણિક સંકુલમાં શિસ્તના સવાલો

એમ.એસ. યુનિવર્સિટીના ક્લાસરૂમમાંથી વાઇરલ થયેલા આ પ્રકારના વીડિયોએ શૈક્ષણિક સંસ્થાઓની ગરિમા અને નૈતિકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ખડા કર્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ દર્શાવે છે કે સંકુલની અંદર વિદ્યાર્થીઓ પરનું શિસ્ત અને દેખરેખનું નિયંત્રણ નબળું પડી રહ્યું છે, જેને ડામવા માટે વહીવટી તંત્રએ હવે વધુ કડક અને અનિવાર્ય પગલાં લેવા પડશે.