Loading Please Wait !!!
MPHW ભરતીમાં સ્ટેટસ ક્વોથી નિમણૂકો અટવાઈ: પાસ ઉમેદવારો ગાંધીનગરમાં ધરણા પર

 

  • GPSSB દ્વારા વર્ષ 2021-22 માં જાહેર કરાયેલી MPHW ભરતીની પ્રક્રિયા પૂર્ણ છતાં ઓર્ડર બાકી

  • ફાઇનલ મેરિટ અને જિલ્લા પસંદગી પૂર્ણ થયાના અઢી વર્ષ બાદ પણ ઉમેદવારો નિમણૂકથી વંચિત

  • હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં સરકાર દ્વારા નબળી પેરવી થતી હોવાનો ઉમેદવારોનો ગંભીર આક્ષેપ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાના તમામ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી પણ ઉમેદવારોને નિમણૂક મેળવવા માટે ગાંધીનગરના રસ્તાઓ પર ઉતરવાની નોબત આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા વર્ષ 2021-22 માં જાહેર કરાયેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની ભરતીમાં મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગી પૂર્ણ કરી ચૂકેલા આશરે 100 જેટલા લાયક ઉમેદવારો છેલ્લા અઢી વર્ષથી નિમણૂક પત્રથી વંચિત છે. લાંબા સમયથી માનસિક અને આર્થિક યાતના ભોગવી રહેલા આ ઉમેદવારોએ પોતાના ન્યાય માટે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે શાંતિપૂર્ણ ધરણા શરૂ કર્યા છે.

ઉમેદવારોના જણાવ્યા મુજબ, સમગ્ર ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1,866 જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2023 માં ફાઇનલ મેરિટ તથા વધારાનું સિલેક્શન લિસ્ટ પણ જારી કરાયું હતું. જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ સુપેરે સંપન્ન થઈ ગઈ હતી. જોકે, આશરે 7 જેટલા કથિત ડમી ઉમેદવારોના વિવાદને લઈને મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચતાં સમગ્ર પ્રક્રિયા પર 'સ્ટેટસ ક્વો' આવી ગયો હતો, જેના કારણે સંપૂર્ણ યોગ્યતા ધરાવતા ઉમેદવારો પણ અટવાઈ પડ્યા છે.

આંદોલનકારી ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં સરકાર પક્ષ તરફથી અત્યંત નબળી પેરવી કરવામાં આવી રહી છે. પંચાયત વિભાગ કે બોર્ડ દ્વારા સ્ટે હટાવવા માટે જરૂરી ગંભીરતા દાખવવામાં આવતી નથી અને માત્ર તારીખો જ પડી રહી છે. કેટલાક શંકાસ્પદ કે ડમી ઉમેદવારોની ભૂલની સજા પ્રામાણિકપણે પરીક્ષા પાસ કરનારા તમામ નિર્દોષ ઉમેદવારોને ભોગવવી પડી રહી છે.

ભરતી પ્રક્રિયામાં થયેલા અસાધારણ વિલંબના કારણે મોટાભાગના ઉમેદવારો હવે વયમર્યાદાની ઉપલી સીમા પણ વટાવી ચૂક્યા છે. ઓવરેજ થઈ જવાના કારણે તેઓ ભવિષ્યની અન્ય કોઈ સરકારી કે અર્ધસરકારી ભરતી માટે પણ લાયક રહ્યા નથી, જેથી તેમના પરિવારો સામે આજીવિકાનું મોટું સંકટ ઊભું થયું છે. ઉમેદવારોએ અગાઉ પંચાયત બોર્ડ, પંચાયત વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી અનેક લેખિત રજૂઆતો કરી હતી, છતાં કોઈ પરિણામ આવ્યું નહોતું.

સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયેલા ઉમેદવારોએ રાજ્ય સરકાર અને બોર્ડને સ્પષ્ટ 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે માંગ કરી છે કે સરકારી વકીલ દ્વારા હાઇકોર્ટમાં સ્પેશિયલ એફિડેવિટ રજૂ કરી અર્જન્ટ હિયરિંગ હાથ ધરાય અને સ્ટે હટાવીને તમામ 100 ઉમેદવારોને પાછલી અસરથી તાત્કાલિક નિમણૂક પત્રો આપવામાં આવે. જો 7 દિવસમાં આ મામલે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉમેદવારોએ ઉગ્ર આંદોલન અને આમરણ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

MPHW ઉમેદવારો ગાંધીનગરમાં ધરણા પર

MPHW ભરતીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ અઢી વર્ષથી નિમણૂક ન મળતાં 100 ઉમેદવારો ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે. 7 ડમી ઉમેદવારોના કેસમાં હાઇકોર્ટમાં સ્ટે હોવાથી ભરતી અટકી છે. ઉમેદવારોએ સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ આપી હાઇકોર્ટમાંથી સ્ટે હટાવી તાત્કાલિક નિમણૂક આપવા માંગ કરી છે, અન્યથા આમરણ ઉપવાસની ચીમકી આપી છે.