Loading Please Wait !!!
MKBU ભાવનગર યુનિવર્સિટીમાં ભરતીનો ધમધમાટ: વધુ 11 સંવર્ગની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જૂન સુધી ચાલશે ટેસ્ટ!

  • નોન-ટીચિંગ સ્ટાફની અછત દૂર કરવા તંત્ર એક્શનમાં - એન્જિનિયરથી લઈ લેબ આસિસ્ટન્ટ સુધીની જગ્યાઓ ભરાશે
  • 3 મે થી 7 જૂન દરમિયાન યોજાશે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ - આન્સર-કી અને મેરિટ લિસ્ટની પણ જાહેરાત
  • લેબ ટેકનિશિયન અને ફિલ્ડ કલેક્ટર સહિતના 11 સંવર્ગો માટે બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં પરીક્ષાનું આયોજન

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી નોન-ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ભરવા માટે તંત્ર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ યુનિવર્સિટીએ ભરતી પ્રક્રિયાનો આરંભ કર્યો છે. ગતરોજ પાંચ સંવર્ગની પરીક્ષા સફળતાપૂર્વક યોજાયા બાદ, હવે અન્ય ૧૧ સીંગલ સંવર્ગ માટે પરીક્ષાની તારીખો અને પરિણામનો સંભવિત કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીની વહીવટી કામગીરી સ્ટાફની અછતને કારણે અસરગ્રસ્ત બની હતી, જે હવે આ નવી ભરતીથી સુધરવાની આશા છે. જે જગ્યાઓ માટે અરજી અને સ્ક્રુટિનીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તેવી ૧૧ જગ્યાઓ માટે આગામી ૩ મે થી પરીક્ષાઓનો પ્રારંભ થશે. જેમાં ૩ મે ના રોજ જૂનિયર એન્જિનિયર અને વિવિધ લેબ ટેકનિશિયનની પરીક્ષા લેવાશે. ત્યારબાદ ક્રમશઃ ૧૦ મે ના રોજ ફિલ્ડ કલેક્ટર અને જૂન મહિનાની ૭ તારીખ સુધી વિવિધ વિષયોના લેબ આસિસ્ટન્ટની પરીક્ષાઓ યોજાશે.

આ તમામ પરીક્ષાઓ યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ખાતે લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પારદર્શિતા જાળવવા માટે આન્સર-કી (Answer Key), પ્રોવિઝનલ મેરિટ અને ટ્રાન્સપરન્ટ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. આ જાહેરાતથી લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહેલા લાયક ઉમેદવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.