મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાં દારૂની હેરાફેરી: સીદસર ચોકડી પાસે ૪૩૨ બોટલો ઝડપાઈ
- બસની ડીકીમાં છુપાવેલા ૮ પાર્સલમાંથી મળ્યો જથ્થો; જાફરાબાદના ટીંબી પહોંચાડવાનો હતો દારૂ
- મુંબઈના કાશમીરાથી ઇનોવા કારમાં મોકલાયા હતા પાર્સલ; ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ
- ૪:૩૦ વાગ્યે સીદસર ચોકડી પાસે કાર્યવાહી; પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડે એક સચોટ બાતમીના આધારે સીદસર ચોકડી પાસે વોચ ગોઠવીને મુંબઈથી આવતી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બસની પાછળની ડીકીમાં પ્લાસ્ટિકમાં વીંટાળેલા ૮ પાર્સલમાંથી કુલ ૪૩૨ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ૬૩ હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, ભાવનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ વહેલી સવારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે મુંબઈ તરફથી આવતી બસ નંબર AR-11-F-4545 માં દારૂના પાર્સલ ભરીને નારી ચોકડીથી તળાજા તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેના આધારે પોલીસે વહેલી સવારે ૪:૩૦ વાગ્યે સીદસર ચોકડી પાસે બાતમીવાળી બસને અટકાવીને તપાસ કરી હતી. બસના ડ્રાઈવર જયરાજ બસીયા, ઇમરાન પઠાણ અને ક્લીનર દિલુભાઈ ભુકણની હાજરીમાં ડીકી ખોલાવતા અંદરથી શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા.
પાર્સલોની તલાશી લેતા અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની ૪૩૨ સીલપેક બોટલો મળી આવી હતી, જેની કિંમત ૬૩,૭૨૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવર અને ક્લીનરે જણાવ્યું હતું કે આ જથ્થો મુંબઈના કાશમીરા ખાતે એક ઇનોવા કાર (GJ-05-JK-6414) નો ચાલક આપી ગયો હતો. આ પાર્સલ જાફરાબાદના ટીંબી ગામે કોઈ વ્યક્તિ આવીને લઈ જશે તેમ કહેવામાં આવ્યું હતું. જોકે, ડ્રાઈવરે દાવો કર્યો હતો કે તેમને પાર્સલમાં શું છે તેની જાણ નહોતી.
આ મામલે પેરોલ ફર્લો સ્ક્વોડે મુદ્દામાલ જપ્ત કરી વરતેજ પોલીસ મથકમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇનોવા કાર ચાલક અને ટીંબી ગામે જથ્થો મંગાવનાર શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે હાલમાં બસના સ્ટાફની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગરમાં વહેલી સવારે થયેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.