Loading Please Wait !!!
કેશોદની શિક્ષક સોસાયટીમાં ૨ કલાકનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન: આખરે હિંસક દીપડો પાંજરે પુરાયો

  • રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી ફફડતા સ્થાનિક રહીશોએ મેળવી ભયમાંથી મુક્તિ
  • સતત બે દિવસથી રાત્રે ૯ વાગ્યે સોસાયટીમાં ખુલ્લેઆમ આંટાફેરા મારતા વનરાજ કેદ
  • વન વિભાગે ચારેય તરફ મજબૂત વ્યુહરચના ગોઠવી હિંસક વન્યજીવને સુરક્ષિત ઝડપી લીધો

સિટી ન્યુઝ @ જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલા અજાબ રોડ પરની શિક્ષક સોસાયટીમાં વન વિભાગે અંદાજે ૨ કલાક સુધી દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને એક દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ રહેણાંક વિસ્તાર અને તેની આસપાસના સીમ ભાગમાં દીપડાના સતત આંટાફેરાને કારણે સ્થાનિક રહીશો ભારે ફફડાટ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. રાત્રિના સમયે દીપડો ફરી વસ્તીમાં દેખાતાં જ વન વિભાગની ટીમે ખાસ વ્યુહરચના ગોઠવી તેને કોઈને ઇજા પહોંચાડે તે પહેલાં જ પકડી પાડ્યો હતો, જેના પગલે સોસાયટીના લોકોએ હાશકારો અનુભવ્યો છે.

બનાવની વિગત એવી છે કે, કેશોદના અજાબ રોડ પર આવેલી શિક્ષક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધી ગઈ હતી. સોસાયટીના રહીશ વિવેક ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તેમણે ૯ જૂનની રાત્રે અને ફરીથી ૧૦ જૂનની રાત્રે પણ આશરે ૦૯:૦૦ વાગ્યાના અરસામાં દીપડાને સોસાયટી નજીક ખુલ્લેઆમ ફરતો જોયો હતો. વિસ્તારમાં નાના બાળકો અને મહિલાઓમાં ભારે ભયનો માહોલ હોવાથી તેમણે તાત્કાલિક ફોરેસ્ટ ખાતાને આ અંગે ટેલિફોનિક જાણ કરી હતી. દીપડો રહેણાંક વિસ્તારમાં હોવાની ગંભીરતાને સમજીને કેશોદ વન વિભાગનો કાફલો જરૂરી સાધનો અને પાંજરા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દીપડો હિંસક બનીને કોઈ નાગરિક પર હુમલો ન કરી બેસે તે માટે પરિસ્થિતિને કાબૂમાં લેવા અમરાપુરથી વન વિભાગની વિશેષ એક્સપર્ટ રેસ્ક્યૂ ટીમને પણ તાકીદે બોલાવવામાં આવી હતી. વન વિભાગના સ્ટાફે દીપડાને ઘેરીને તેને પકડવા માટે ચારેય તરફ મજબૂત વ્યુહરચના ગોઠવી હતી. વન વિભાગની જુદી-જુદી ટીમોએ સ્થાનિકોની મદદથી ભારે સાવચેતીપૂર્વક સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આખરે દીપડાને એક બિલ્ડિંગની આડશમાંથી પાંજરા તરફ સફળતાપૂર્વક ધકેલીને કેદ કરાયો હતો. દીપડો પકડાયાના સમાચાર પ્રસરતા જ આ દૃશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વન વિભાગે દીપડાનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર ઘનઘોર વન વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

અમરાપુરની એક્સપર્ટ ટીમ અને સ્થાનિકોનો સહયોગ કેશોદ વન વિભાગની સાથે અમરાપુરથી આવેલી સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમે અંધારામાં અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું. સ્થાનિક રહીશોએ પણ વન વિભાગને ચોક્કસ લોકેશન આપીને મદદ કરી હતી. સમયસર દીપડો પાંજરે પુરાઈ જતાં વન્યજીવ તેમજ માનવ સંઘર્ષની એક મોટી હોનારત ટળી ગઈ છે.