ભાવનગર કોંગ્રેસની મોટી કાનૂની જીત: શહેર પ્રમુખ લાલભા ગોહિલ સામેની FIR પર હાઈકોર્ટનો મનાઈ હુકમ
-
રાજકીય કિન્નાખોરીના આક્ષેપો વચ્ચે સત્તાધારી પક્ષને આંચકો; હાઈકોર્ટે સામા પક્ષને ફટકારી નોટિસ
-
કથિત અપહરણનો ભોગ બનનાર પોતે જ FB Live માં આવ્યો હોવા છતાં ફરિયાદ; કોંગ્રેસે કાયદાકીય લડાઈ જીતી
-
શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મળી સફળતા; લાલભા ગોહિલે કહ્યું- "ડરાવવાની કોશિશ નિષ્ફળ ગઈ"
ભાવનગર : આગામી ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાવનગરનું રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા ટકરાવમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપીને ભાવનગર કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે લાલભા ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને ‘રાજકીય પ્રેરિત’ ગણાવીને કાયદાકીય કાર્યવાહી પર તાત્કાલિક અસરથી સ્ટે (મનાઈ હુકમ) ફરમાવી સામા પક્ષને નોટિસ ફટકારી છે.
શું હતો સમગ્ર વિવાદ? આ કેસની વિગત એવી છે કે લાલભા ગોહિલ અને અન્ય ઉમેદવારો વિરુદ્ધ અપહરણના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આશ્ચર્યજનક રીતે જે વ્યક્તિના અપહરણની વાત હતી, તે વ્યક્તિ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે. તેમ છતાં કોંગ્રેસ પ્રમુખની ધરપકડ અને કાર્યવાહી કરવામાં આવતા કોંગ્રેસે તેને સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી હતી. વરિષ્ઠ વકીલોની ધારદાર રજૂઆત બાદ હાઈકોર્ટે આ મામલે પોલીસ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
લાલભા ગોહિલનો આકરો પ્રહાર હાઈકોર્ટના ચુકાદા બાદ લાલભા ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "ચૂંટણીના વ્યસ્ત સમયમાં મને બે-ત્રણ કલાક સુધી પોલીસ મથકે બેસાડી રાખીને માનસિક રીતે ડરાવવાનો અને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ હું ન તો ડર્યો છું, ન તો ઝૂક્યો છું અને ન તો કોઈ સમાધાન કર્યું છે." તેમણે આ કાનૂની લડાઈમાં સતત માર્ગદર્શન પૂરું પાડવા બદલ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો આભાર માન્યો હતો. આ હુકમથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોમ પુરાયો છે.
કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર ન્યાયતંત્રના આ સ્ટે ઓર્ડરને કોંગ્રેસે ન્યાયની જીત ગણાવી છે. લાલભા ગોહિલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસનો એક પણ કાર્યકર આવી ધમકીઓથી ડરશે નહીં. પક્ષના તમામ ઉમેદવારો અને કાર્યકરો હવે કોઈપણ ભય વગર નિડરતાથી પ્રચાર કાર્ય ચાલુ રાખશે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં હાઈકોર્ટના હસ્તક્ષેપથી ભાવનગરના ચૂંટણી જંગમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે.