Loading Please Wait !!!
કેશોદમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર? ભાજપ જિલ્લા પ્રમુખના બર્થ-ડેમાં રસ્તા પર ફટાકડા અને ધાંધલ-ધમાલ

 

  • MLA દેવા માલમની હાજરીમાં જ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓએ નિયમો નેવે મૂક્યા; પોલીસ ગુનો ક્યારે નોંધશે?

  •  સામાન્ય માણસ પાસે માફી મંગાવતી પોલીસ નેતાઓ સામે કાર્યવાહી કરશે કે આંખ આડા કાન?

  • SP એ કહ્યું- ‘તપાસ કરશું’, પરંતુ સત્તાધારી પક્ષના નેતાઓ સામે પોલીસના કડક તેવર દેખાશે ખરા?

    શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણીમાં ગઈકાલે રાત્રે કેશોદના ભરચક ચાર ચોક વિસ્તારમાં કાયદાના સરેઆમ લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. જાહેર રસ્તા પર જ મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા, કેક કાપવામાં આવી અને મોટા પાયે આતશબાજી કરવામાં આવી હતી, જેના કારણે મોડી રાત્રે સ્થાનિકોની શાંતિનો ભંગ થયો હતો.

    ધારાસભ્યની હાજરીમાં જ નિયમો ભંગાયા આ કાર્યક્રમમાં આશ્ચર્યની વાત એ હતી કે કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિતના જવાબદાર પ્રતિનિધિઓ અને અનેક સ્થાનિક નેતાઓ પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા. એક તરફ જ્યારે પોલીસ સામાન્ય નાગરિકો જો રસ્તા પર આવી ઉજવણી કરે તો તુરંત ગુનો નોંધી તેમની પાસે માફી મંગાવતા વીડિયો બનાવે છે, ત્યારે અહીં સત્તાધારી પક્ષના ટોચના નેતાઓ સામે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

    SP એ આપી તપાસની ખાતરી કેશોદના એસપી બી. સી. ઠક્કરે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી છે. સામાન્ય રીતે આવા કેસોમાં જાહેરનામાના ભંગ બદલ આઈપીસી (IPC) ની કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધવાની જોગવાઈ છે. હવે લોકોમાં એ ચર્ચા જાગી છે કે શું જૂનાગઢ પોલીસ કોઈ પણ રાજકીય દબાણ વગર આ મામલે તટસ્થ તપાસ કરીને એફઆઈઆર (FIR) નોંધશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે? આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે તંત્રની નિષ્પક્ષતા કસોટીની એરણે છે.