Loading Please Wait !!!
કેશોદમાં 1.70 Lakh ની ઉઠાંતરી કરનાર MP ની ગેંગ જેતપુરથી ઝડપાઈ: પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો!

  • સોડા પીવા ઉભેલા યુવકની બાઈકની ડીકીમાંથી રોકડ સેરવી લીધી હતી – મુદ્દામાલ સાથે એક આરોપી દબોચાયો
  • SP B.C. Thakkar ના માર્ગદર્શન હેઠળ ઓપરેશન સફળ – CCTV અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મળી સફળતા
  • SBI માંથી ઉપાડેલા 1,70,000 રૂપિયા ચોરાયા હતા – ફિલ્મી ઢબે આરોપી હિમાંશુ છાયલની ધરપકડ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ગત રોજ ધોળા દિવસે બનેલી લાખોની રોકડની ઉઠાંતરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. કેશોદના એસ.પી. બી.સી. ઠક્કરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 1,70,000 રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ચોરીની રકમ અને મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કેશોદ પોલીસની સર્વેલન્સ ટીમે જેતપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સહયોગથી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશના શખ્સને દબોચી લીધો છે.

આ ઘટનાની વિગત મુજબ, કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા ગત રોજ સવારે કેશોદની SBI બેંકમાંથી પોતાના ખેતીના કામ માટે 1,70,000 રૂપિયાની રોકડ રકમ ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકથી માત્ર 150 મીટર દૂર ચાર ચોક પાસે તેઓ એક સોડાની દુકાને રોકાયા હતા. આ દરમિયાન તેમની હરકત પર નજર રાખીને બેઠેલી ગઠિયા ગેંગે તકનો લાભ ઉઠાવ્યો હતો. જ્યારે યુવક સોડા પીવામાં મશગૂલ હતો, ત્યારે બાઈક પર આવેલા બે શખસો અને એક સગીર બાળકે અત્યંત સફાઈપૂર્વક બાઈકની ડીકી ખોલી નાણાંની ઉઠાંતરી કરી હતી.

ચોરીની જાણ થતા જ કેશોદ પોલીસ હરકતમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચોરી કરીને જેતપુર તરફ ભાગ્યા છે. તાત્કાલિક જેતપુર પોલીસની મદદથી નાકાબંધી કરવામાં આવી અને હિમાંશુ ઉર્ફે લાલુ ઉમેરસિંહ છાયલ (રહે. કડિયા સાસી, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ બેંકની બહાર જ 'રેકી' કરે છે અને મોટી રકમ લઈને નીકળતી વ્યક્તિનો પીછો કરી ગણતરીની સેકન્ડોમાં જ ચોરીને અંજામ આપી રફુચક્કર થઈ જાય છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલો આરોપી હિમાંશુ રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ અમદાવાદ રૂરલ સહિતના અનેક વિસ્તારોમાં બેંક ઉઠાંતરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે તેની પાસેથી ચોરી થયેલી તમામ રોકડ રકમ રિકવર કરી લીધી છે. હાલ પોલીસ આ ગુનામાં સામેલ અન્ય શખસો અને સગીર બાળકની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે. કેશોદ પોલીસે અત્યંત ટૂંકા સમયમાં આ ભેદ ઉકેલી નાખતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

એસ.પી. બી.સી. ઠક્કરે નાગરિકોને અપીલ કરી છે કે બેંકમાંથી મોટી રકમ ઉપાડીને જતા સમયે અત્યંત સાવધ રહેવું જોઈએ. પોતાની કિંમતી વસ્તુઓ કે લાખોની રોકડ વાહનમાં બિનવારસી હાલતમાં મૂકવાનું ટાળવું જોઈએ, કારણ કે ગઠિયાઓ તમારી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા હોય છે. હાલ પોલીસે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ ગેંગ દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે.