Loading Please Wait !!!
કે.જે. હોસ્પિટલની બેદરકારી: વાલ્વ બદલવાના નામે દર્દીને બંધક બનાવ્યા

=> બીલખાના અગ્રણી સીદીક માલવીયાના ઓપરેશન મામલે પરિવાર હેરાન-પરેશાન : ઓપરેશન ટલ્લે ચડાવ્યું, ડોક્ટર બીમાર હોવાનું ખોટું બહાનું કાઢ્યું


સિટી ન્યૂઝ@બીલખા :  જૂનાગઢની નામાંકિત ગણાતી કે.જે. હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી અને અમાનવીય વલણને કારણે બીલખાના એક પ્રતિષ્ઠિત પરિવારને ભારે માનસિક યાતના ભોગવવાનો વારો આવ્યો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દર્દીના વાલ્વ બદલવાના ઓપરેશન નામે દિવસો સુધી હોસ્પિટલમાં ગોંધી રાખી, અંતે સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા પીડિત પરિવારે ભારે આક્રોશ સાથે દર્દીને ત્યાંથી ખસેડી લીધા છે.

બીલખાના રહેવાસી સીદીક હસન માલવીયા (હાજી સાહેબ) ની તબિયત લથડતા ૬ દિવસ પહેલાં તેઓને જૂનાગઢની કે.જે. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંના મુખ્ય તબીબે તપાસ બાદ જણાવ્યું હતું કે, દર્દીનો હૃદયનો વાલ્વ ખરાબ થઈ ગયો છે અને તેને બદલવો પડશે. નવો વાલ્વ આવતા ૨ દિવસ લાગશે અને મંગળવારે ઓપરેશન થઈ જશે તેમ કહેતા પરિવારે સહમતી આપી દીધી હતી. પરંતુ, ત્યારપછી હોસ્પિટલ તંત્રએ અસલી રંગ બતાવવાનું શરૂ કરી મંગળવાર વીતી ગયો હોવા છતાં ઓપરેશન કરવાને બદલે દિવસો ઠેલવવાનું ચાલુ રાખ્યું હતું.

હોસ્પિટલની અવ્યવસ્થાથી કંટાળીને જ્યારે પરિવારજનોએ ઓપરેશન અંગે કડક પૂછપરછ કરી, ત્યારે સ્ટાફે બહાનું કાઢ્યું કે, "ઓપરેશન કરનાર ડોક્ટર બીમાર છે અને હાજર નથી." પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે, પરિવારજનોએ એ જ સમયે હોસ્પિટલ પરિસરમાં જ એ ડોક્ટરને ફરતા જોયા હતા. પોલ પકડાઈ જતા પરિવારજનોએ સવાલ કર્યા, જેનાથી અકળાયેલા હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડે દર્દીના પરિવાર સાથે ઉગ્ર રફ્તાર અને દાદાગીરી શરૂ કરી દીધી હતી. આ અસહ્ય અને જોખમીભર્યા વાતાવરણથી ત્રાસીને આખરે પરિવારે દર્દીનું ડિસ્ચાર્જ લઈ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.

આરોગ્ય કાર્ડના નામે બિલ વધારવાનું મોટું કૌભાંડ?

સામાન્ય જનતા તબીબોને ભગવાન માને છે, પરંતુ આવા સંવેદનહીન તબીબોને કારણે વ્યવસાય કલંકિત થઈ રહ્યો છે. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, સરકારની વિવિધ આરોગ્ય યોજનાના કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી મોટું બિલ અંખેરવા માટે આવી હોસ્પિટલો દર્દીના જીવના જોખમે પણ તેઓને ખોટી રીતે રોકી રાખતી હોય છે. આ સમગ્ર ઘટનાને પગલે બીલખા પંથકમાં કે.જે. હોસ્પિટલ સામે ભારે જનરોષ ફાટી નીકળ્યો છે. આરોગ્ય વિભાગ આ હોસ્પિટલના કાળા કરતૂતો સામે કડક તપાસના આદેશ આપશે કે કેમ તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે.