Loading Please Wait !!!
વ્યાજખોરોના ત્રાસથી યુવકે વીડિયો બનાવી આપઘાત કર્યો: ભારે ચકચાર

  • માણાવદરમાં 5 લાખના વ્યાજ સામે 4 વ્યાજખોરોએ જમીનનો દસ્તાવેજ કરાવી લીધો
  • નાનડિયા ગામના 30 વર્ષીય ગુંજનનો હૃદયદ્રાવક વીડિયો વાયરલ, પોલીસ એક્શનમાં
  • કરશન અને ગગા રબારી સામે ગુનો દાખલ, જમીન હડપ કરી ધમકી આપવાનો આક્ષેપ

સિટી ન્યુઝ @ જૂનાગઢ  

ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢના માણાવદર પંથકમાંથી વ્યાજખોરીના દૂષણનો એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માણાવદરના નાનડીયા ગામે વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ, પઠાણી ઉઘરાણી અને દબાણપૂર્વક લાખો રૂપિયાની કિંમતી જમીન પોતાના નામે લખાવી લેવાની પ્રવૃત્તિથી કંટાળીને એક 30 વર્ષીય યુવક ગુંજન ઉર્ફે મેરકાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ આત્મહત્યા પહેલા યુવકે બનાવેલો વીડિયો વાયરલ થતાં 4 વ્યાજખોરો વિરૂદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરાયો છે.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, નાનડીયા ગામે રહેતા 62 વર્ષીય ગોરધનભાઇ આરદેશણાના પુત્ર ગુંજનને ખેતીકામ માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે તેણે બાંટવા ગામના કરશન રબારી અને ગગાભાઇ ઉર્ફે રાજુ રબારી પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ગુંજને આ રકમનું વ્યાજ નિયમિત ચૂકવી દીધું હોવા છતાં, બંને વ્યાજખોરોએ વ્યાજનું વ્યાજ ચઢાવીને પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ગુંજનની માલિકીની લાખો રૂપિયાની કિંમતી ખેતીની જમીનનો દસ્તાવેજ પણ ગઈ 21 તારીખે બળજબરીપૂર્વક પોતાના નામે કરાવી લીધો હતો.

આ ઉપરાંત, નાનડીયા ગામના જ અન્ય એક વ્યાજખોર વિરેન્દ્રભાઇ જમનાદાસ વિરોજા પાસેથી લીધેલા નાણાંનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, તેણે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જ્યારે પ્રવિણ નામના અન્ય એક શખ્સે 6 લાખ રૂપિયાનું વ્યાજ વસૂલ્યા પછી પણ વોટ્સએપ પર ગંદી ગાળો આપી અસહ્ય માનસિક ત્રાસ આપ્યો હતો. આબરૂ જવાના ડરથી કંટાળી ગયેલા ગુંજને વાડીએ જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મૃતકના પિતાની સત્તાવાર ફરિયાદના આધારે માણાવદર પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પીઆઇ જે.બી. પટેલ અને ડી.કે. ઝાલાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતક યુવકનો અંતિમ વીડિયો વાયરલ

આત્મહત્યા કરતા પહેલાં યુવકે પોતાના મોબાઈલમાં બનાવેલા વીડિયોમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે, "હું દવા પીવું છું, બાંટવાવાળા કરસનભાઈ અને ગગાએ ખાલી 5 લાખ રૂપિયા વ્યાજે આપી મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે." કેશોદના એસપી બી.સી. ઠક્કરે જણાવ્યું કે 25 મે 2026 ના રોજ બનેલી આ ઘટનાના વીડિયોની ટેકનિકલ તપાસ ચાલુ છે અને આરોપીઓને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.